
વર્ષના પ્રથમ સપ્તાહમાં કોવિડ પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ 2,318ની ધરપકડ
છેલ્લા એક સપ્તાહમાં રાજ્યભરમાં કોવિડ 19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ 2,318 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે 21,477 લોકોને માસ્કના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આ વર્ષે 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં સમગ્ર રાજ્યમાં માસ્કના ઉલ્લંઘન અને જાહેરમાં થૂંકવા બદલ 21,477 વ્યક્તિઓ પાસેથી 2.14 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સાથે નાઇટ કરફ્યૂ સહિત કોવિડ પ્રોટોકોલ સંબંધિત સૂચનાના ઉલ્લંઘન માટે કુલ 2,624 કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં 2,318 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ગત સપ્તાહમાં મોટર વાહન અધિનિયમ હેઠળ કુલ 2,642 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
કોવિડ 19માં વધારો થતાં, રાજ્ય સરકારે શુક્રવારના રોજ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, આણંદ, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં રાત્રી કરફ્યૂનો સમય 10 કલાકથી સવારે 6 કલાક સુધી લંબાવ્યો હતો. આ ઉપરાંત ધોરણ 1 થી 9 સુધીના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.
શુક્રવારની રાત્રે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા અને રાજ્યભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વચ્ચે વર્ચ્યુઅલ રીતે એક મીટિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારના નવા આદેશોના અમલીકરણની ખાતરી કરવા માટેના કાર્ય યોજનાની ચર્ચા કરવામાં આવી હતી.
DGP આશિષ ભાટિયાના કાર્યાલયમાંથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને માનવીય રીતે લોકોનો સંપર્ક કરવા અને તેમને નાઇટ કરફ્યૂનું પાલન કરવાનું મહત્વ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય, ત્યારે પોલીસે કોવિડ સંબંધિત એસઓપીનું પાલન સુનિશ્ચિત કરવા માટે શાંતિ સમિતિની બેઠકો દ્વારા વેપારી સંગઠનો, સ્થાનિક પ્રતિનિધિઓ અને નેતાઓ સાથે જોડાણ કરવું જોઈએ.