
ભાજપના વિજેતા ધારાસભ્યોની બેઠક શ્રી કમલમ ખાતે યોજાશે, સત્તાવાર જાહેર થઇ શકે છે CM
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 17 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીત મળી છે.
ધારાસભ્યોની બેઠક ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાશે
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મળેલી જીત બાદ તમામ વિજેતા ધારાસભ્યોની બેઠક ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને સત્તાવાર રીતે મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવશે.
2022ની વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે.
આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.