
અંજારમાં છેવટે થઇ શાંતિ, પોલીસે આપી આ ચીમકી
અંજારમાં વિધર્મી યુવક દ્વારા કરાયેલાં યુવતીના કથિત અપહરણના બનાવે શુક્રવારે હિંસક વળાંક લીધા બાદ આજે વિવિધ હિંદુ સંગઠન અને આહીર સમાજે અંજારનું બંધનું એલાન આપ્યું છે. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે. શુક્રવારે સાંજે એક દુકાન અને રાત્રે બે કેબિનોને આગચંપી કરાતાં ઐતિહાસિક શહેરમાં આજે સવારથી જ અજંપાભર્યો માહોલ છવાયેલો રહ્યો હતો. અશાંત અને અજંપાભરી પરિસ્થિતિના કારણે મોટાભાગના દુકાનદારોએ તેમની દુકાનો ખોલવાનું ટાળ્યું છે.
તો, નગરપાલિકા શાસિત 22 પ્રાથમિક શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ હતી. વાલીઓએ ખાનગી સ્કુલોમાં ભણતાં સંતાનોને પણ શાળાએ મોકલવાનું ટાળતાં મોટાભાગની શિક્ષણ સંસ્થાઓ પણ બંધ રહી છે. પરિસ્થિતિ ક્યાંય હિંસક વળાંક ના લે તે માટે અંજારમાં પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ અને પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ સહિત બબ્બે ઉચ્ચ અધિકારીઓ ખુદ પોલીસ બંદોબસ્ત પર ચાંપતું મોનિટરીંગ કરી રહ્યા છે.

પોલીસે શાંતિ જાળવવા માટે સવારથી જ ક્યાંય કોઈ વિસ્તારમાં ટોળાઓને એકત્ર નહીં થવા દેવાનો વ્યૂહ અપનાવ્યો છે. જેથી સવારે આહીર બૉર્ડીંગ, ગોકુલનગર અને દબડા વિસ્તારમાં ટોળા એકત્ર થતાં જ પોલીસે તેમને હળવા બળપ્રયોગ અને અશ્રુવાયુની મદદથી વિખેરી નાખ્યા હતા. અંજારની સતત ધમધમતી મેઈન બાજર, ગંગાનાકા વિસ્તાર, કળશ સર્કલ, ખત્રી બજાર, બસ સ્ટેશન વગેરે વિસ્તારોમાં સવારથી જ સ્વયંભુ બંધની પરિસ્થિતિ જોવા મળી હતી. સવારે એકલદોકલ ચાની હોટેલવાળાએ તેમની રેંકડી-કેબિનો ખોલી હતી પરંતુ અંજપાભરી પરિસ્થિતિના પગલે તેમણે નવ-દસ વાગ્યાના અરસામાં હોટેલો બંધ કરી ચાલતી પકડી લીધી હતી.
પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે દાવો કર્યો હતો કે, અશાંત પરિસ્થિતિ વચ્ચે બંધના એલાનના પગલે અંજારમાં 100થી વધુ પોલીસ અધિકારીઓ-જવાનોનો કાફલો ઠેર ઠેર તૈનાત કરી દેવાયો છે. પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે. શહેરનું જનજીવન સામાન્ય હોવાનું જણાવી તેમણે લોકોને શાંતિ જાળવા રાખી અપીલ કરી છે. જો કે, સમગ્ર શહેરમાં ઠેર ઠેર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવાતાં શહેર જાણે પોલીસ છાવણીમાં તબદિલ થઈ ગયું છે.
Read also: અંજારમાં અંજપા ભરી સ્થિતિ, કારણ યુવતીને ભગાડી જવું
પોલીસે ગઈકાલની ઘટના સંદર્ભે કેટલાંક અસામાજિક-તોફાની તત્વોને રાઉન્ડ અપ કર્યાં છે. તોફાની અને અફવા ફેલાવનારાં તત્વો સામે પોલીસ કડક હાથે પગલાં લેશે તેવી ચીમકી ભાવના બેને ઉચ્ચારી છે. દરમિયાન, આજે બપોરે અઢી વાગ્યે પ્રાંત અધિકારી મીતેશ પંડ્યાની ઉપસ્થિતિમાં હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ છે.વધુમાં લોકોને સોશ્યલ મીડિયા દ્વારા અફવા ના ફેલાવવાની ખાસ અપીલ કરવામાં આવી છે.