• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NDA નહીં, પણ AGENDA જ અપાવી શકે સત્તા

By Kanhaiya
|

અમદાવાદ, 8 ફેબ્રુઆરી : ભારતીય જનતા પક્ષ હવે શું કરશે? કયો રસ્તો પકડશે? કોને છોડશે અને કોને અપનાવશે? ભાવી વ્યુહરચના શું હશે? જેટલા સવાલોથી ભાજપ આજે ઘેરાયેલો છે, કદાચ પહેલા ક્યારેય નહોતો, પરંતુ 33 વર્ષની પોતાની રાજકીય યાત્રામાં જો ભાજપા આજે આટલા સવાલોથી ઘેરાયો છે, તો તે સવાલોના જવાબ પણ તેણે પોતાની અંદર જ શોધવાનાં છે. કોઈ પણ વ્યક્તિ કે પાર્ટી માટે સામાન્ય રીતે આત્મમંથનનો દોર પરાજય બાદ શરૂ થાય છે, પરંતુ ભાજપ સમક્ષ સૌથી મોટો પડકાર AGENDA અને NDA માંથી કોઈ એકની પસંદગી કરવાનો પેદા થયો છે.

ભાજપ માટે આ પડકારનું બીજ એમ તો NDA ની રચના સાથે જ રોપાઈ ગયુ હતું, જે અટલ બિહારી બાજપાઈના નેતૃત્વ હેઠળ અંકુર તરીકે ફુટ્યું અને સત્તા તરીકે વટવૃક્ષ સુદ્ધા બન્યું. દેશને કોંગ્રેસના શાસનથી દૂર રાખવાના સિદ્ધાંતે ભાજપે પોતાનો AGENDA હાસિયે ધકેલ્યો અને તેમાંથી AGE લુપ્ત થઈ NDA અસ્તિત્વમાં આવ્યું. મૂળ એજંડાથી અંતર જાળવી રાખતાં ભાજપ 2009માં પણ ‘AGE'less એજંડા એટલે કે NDA સાથે જ ચૂંટણીના મેદાને ઉતર્યો, પરંતુ સત્તા તેને હાથ લાગી નહીં. આજે પુનઃ ભાજપ મુંઝવણમાં છે અને તેની ઉપર NDA ની પરવા કર્યા વગર રામ મંદિર, હિન્દુત્વ, સમાન નાગરિક સંહિતા, કાશ્મીરની કલમ 370 જેવા મુદ્દાઓથી યુક્ત એટલે કે ‘AGE'ness AGENDA ઉપર પરત ફરવાનું દબાણ ઉભુ થયું છે અને આ સમગ્ર દબાણની ધરિ બન્યા છે નરેન્દ્ર મોદી.

Narendra Modi

એમ જોવા જઇએ તો કુંભથી માંડી સંઘ સુધી, ગાંધીનગરથી માંડી દિલ્હી સુધી અને સામાન્ય પ્રજાથી માંડી મોટા-મોટા બૌદ્ધિકો તેમજ ઉદ્યોગપતિઓ સુધી ચર્ચિત આ સમગ્ર ઘટનાક્રમ અને ઊહાપોહમાં મોદી તો માત્ર નિમિત્ત બન્યાં છે. ભાજપને કદાચ યાદ નથી કે 1980માં પોતાના અસ્તિત્વ બાદ તેણે પ્રથમ વાર 1984-85ની લોકસભા ચૂંટણીમાં ભાગ લીધો હતો અને સમગ્ર દેશ જાણે છે કે એ ચૂંટણીમાં એક બાજુ ઇંદિરા ગાંધીની હત્યામાંથી કોંગ્રેસ પ્રત્યે પેદા થયેલું સહાનુભૂતિનું જોરદાર મોજું હતું, તો બીજી બાજુ લોકો એ બાબતથી પણ વાકેફ હતાં કે ભાજપ સંઘ સમર્થિત તે જ જનસંઘનો નવો રૂપ છે કે જે હિન્દુત્વવાદી વિચારસરણીને સમર્પિત છે. આમ છતાં ભાજપને પોતાની તે પ્રથમ ચૂંટણીમાં 2 બેઠકો મળી હતી અને 1996માં પ્રથમ વાર તેર દિવસ, 1998માં બીજી વાર તેર મહીના માટે તેમજ ત્રીજી વાર 1999માં સ્થિરતા સાથે સત્તામાં આવનાર ભાજપની બેઠકોની સંખ્યા 2થી 282 સુધી પહોંચી ગઈ હતી. આ 182 બેઠકો ભાજપે પોતાના મૂળ AGENDAને સથવારે જ પ્રાપ્ત કરી હતી. તે ચૂંટણી સુધી એટલે કે 1999ની ચૂંટણી સુધી દેશમાં NDAનું કોઈ નામોનિશાન નહોતું. NDA તો ચૂંટણી બાદ રચાયું. જો ભાજપને તેનો મૂળ એજંડા 182 બેઠકો સુધી પહોંચાડી શકતો હોય, તો પછી તે એજંડામાં જો નરેન્દ્ર મોદી જેવો વઘાર થઈ જાય, તો શું ભાજપ 200ના આંકડાને સરળતાથી પાર નહિં કરી શકે?

મોદીનો વઘાર થતાં ભાજપના એજંડાને તો કોઈ ફરક પડવાનો નથી. તેમના વઘારથી જે કંઈ બગડવાની શંકા છે, તે છે NDA, પરંતુ એક હકારાત્મક પાસું એ પણ જોઈ શકાય કે મોદીનો વઘાર ઉલ્ટાનું ભાજપના મૂળ એજંડાને વિકાસ વડે ઉદારતા પ્રદાન કરશે કે જેનો દાખલો ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં લઘુમતી સમુદાય તરફથી પણ ભાજપને ટેકો મળલો છે. ભાજપ ‘AGE'less NDAની ચિંતા કરે છે, જ્યારે તેણે મોદી પ્રેરિત નવા ‘AGE' તથા ‘NDA' બંનેને સાથે રાખી ચાલનાર એક નવા ગઠબંધન તરફ વધવું જોઇએ. અને તે બાબતમાં કોઈ શંકા નથી કે મોદીના નેતૃત્વ હેઠળ જનતા દળ યુનાઇટેડ એટલે કે જેડીયુ એટલે કે નીતિશ કુમાર ભલે ન આવે, પરંતુ લોકશાહીના મહાયુદ્ધ રૂપી ચુંટણીમાં દરેક તે પક્ષ અને ઉમેદવાર કે જે વિજયની આકાંક્ષા સાથે કૂદતો હોય, તે તો ચોક્કસ મોદી સાથે આવશે. જ્યારે વિજયની પાકી ખાત્રી હોય, તો પછી રાજકીય પક્ષો, નેતાઓ તથા નવા ગઠબંધનો ઊભા થવામાં કોઈ વિઘ્ન કે મુશ્કેલી નહીં રહે.

હકીકતમાં ભાજપ એક જુદો દરી આવતા પક્ષ તરીકે જો પોતાની ઓળખ ધરાવતો હોય, તો તેનું કારણ તેનો મૂળ AGENDA છે, નહીં કે NDA. તેથી ભાજપે પોતાના આ AGENDAને મોદીની વિરાટ-વિકાસ-હિન્દુત્વ-સાંસ્કૃતિક-રાષ્ટ્રવાદને સમર્પિત વિચારસરણી સાથે નવા અવતારે તેમજ સર્વસ્વીકાર્ય સ્વરૂપે આગળ વધવું જોઇએ. મોદીની આ વિચારસરણીમાં સામર્થ્ય છે કે તેઓ વિશ્વ હિન્દૂ પરિષદ્, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, મુસ્લિમ સમુદાય સહિત દરેક વર્ગને સંતુષ્ટ રાખતાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે, તો પોતાના દાવા મુજબ અમેરિકી વીઝાથી વંચિત રહેવા છતાં અમેરિકાના લોકોને ભારતનો વીઝા લેવા લાઇનમાં ઊભા કરાવી શકે છે. તેમને આ સામર્થ્ય સિદ્ધ કરવાની તક માત્ર મળવી જોઇએ. તેમની વાણીનો પ્રભાવ દેશ ઉપર એટલા માટે પડે છે, કારણ કે તેમની વાણી આચરણયુક્ત છે.

સરવાળે ભાજપ પાસે એક સુવર્ણ તક છે કે તે પોતાના મૂળ એજંડાએ પરત ફરી શકે છે અને મોદી જેવી સુવર્ણ સીડી પણ તેની પાસે ઉપલબ્ધ છે.

સત્તા ગૌણ, લક્ષ્ય મુખ્ય

ભાજપે જ્યારે પોતાના મૂળ એજંડા સાથે એક પક્ષ તરીકે પોતાની શરુઆત કરી, ત્યારે પણ તે સારી રીતે જાણતો હતો કે જે એજંડા એટલે કે લક્ષ્યને લઇને તે ચાલી રહ્યો છે, તેના આધારે સત્તા હાસલ નહીં થાય. એમ પણ કહી શકાય કે ભાજપે કદાચ સ્વપ્નેય નહીં વિચાર્યું હશે કે તે ક્યારેક સત્તા ઉપર આવશે, પરંતુ તેને સત્તાના મોં સુધી પહોંચાડનાર તે એજંડા જ હતો. જો ભાજપ થોડોક વધુ ઇંતેજાર કરત જેમ કે તેણે 1999 સુધી સત્તાને ગૌણ અને લક્ષ્યને અગ્રતા આપી રાખી હતી, તે બાદમાં પણ પોતાના લક્ષ્ય ઉપર સ્થિર રહેત, તો કદાચ NDAના નામે તેને AGENDA છોડવો ન પડ્યો હોત અને લક્ષ્ય અગ્રતા બની રહેત અને જો આમ થાત, તો ક્યારેક તો શુદ્ધ બહુમતી તરીકેની સફળતા તેને મળી જ હોત.

ઇતિહાસ સાક્ષી છે

ભાજપની સ્થાપના 6ઠી એપ્રિલ, 1980ના રોજ થઈ હતી. ભાજપ પોતાના સિદ્ધાંતોના કારણે અન્ય પક્ષો કરતાં જુદો તરી આવ્યો. અયોધ્યામાં રામ મંદિર, મુસ્લિમ તુષ્ટીકરણનો વિરોધ, સમાન નાગરિક સંહિતા લાગૂ કરવી તથા જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા જેવા મુદ્દાઓ દેશના બહુમતી વર્ગને પ્રભાવિત કરવામાં સફળ રહ્યાં અને 1984માં 2 બેઠકો હાસલ કરનાર ભાજપ 1991માં 120 બેઠકો સુધી પહોંચી ગયો, પરંતુ નેવુના દશકામાં સત્તાની દોડમાં પોતાને ઉમેરવા ભાજપ ધીમે-ધીમે પોતાના એજંડામાંથી પીછેહઠ કરતો ગયો. તેનો તેને તાત્કાલિક ફાયદો પણ થયો. તે એક વાર સત્તા સુધી પહોંચી પણ ગયો, પરંતુ જ્યાં સુધી એજંડાનો પ્રશ્ન છે, તો ભલે ભાજપ પોતાના એજંડાએ પીછેહઠ કરતો રહ્યો, પણ એજંડાએ તેનો પીછો ક્યારેય છોડ્યો નહીં. આ જ કારણ છે કે 1996માં બાજપાઈ સરકાર 13 દિવસ અને 1998માં 13 માસ જ ટકી શકી. ભાજપે સત્તા ખાતર પોતાના એજંડાથી પીછો છોડવવાનો પ્રયત્ન કર્યો અને તે 1999ની ચૂંટણીમાં દેશના સૌથી મોટા પક્ષ તરીકે ઉપસી આવ્યો. આ ચૂંટણીમાં તેને 182 બેઠકો મળી, પરંતુ તે ભૂલી ગયો કે 2થી 182 બેઠકો સુધીની આ સફરમાં ક્યાંકને ક્યાંક પેલા એજંડાનો જ પણ ફાળો છે કે જેના પગલે દેશમાં તેની પોતાની એક પરમ્પરાગત વોટ બૅંક છે. એ સાચુ છે કે પોતાના એજંડામાંથી પીછેહઠ કરતાં ભાજપના કાફલામાં નવા મતદારો જોડાયાં, પરંતુ જૂના પરમ્પરાગત મતદારો એ આશા સાથે ભાજપના ટેકામાં જ હતાં કે ભાજપ ક્યારેક તો પાતાના એજંડા ઉપર પરત ફરશે. સત્તાની દોડમાં ભાજપે પોતાના એજંડા સાથે એક પછી એક સમજૂતીઓ કરી અને તેના પરમ્પરાગત મતદારોનો ભરોસો ઉઠવા લાગ્યો. તેથી જ ભાજપની બેઠકો સતત ઘટતી ગઈ.

એનડીએના પડછાયામાંથી બહાર આવવાની જરૂર

આજે ભાજપ 22 વર્ષ જૂની સ્થિતિમાં પહોંચી ગયો છે. 1991માં ભાજપને 120 બેઠકો મળી અને ગત ચૂંટણી એટલે કે 2009માં 115 બેઠકો એટલે કે 182 સુધી પહોંચનાર ભાજપ 2004માં 138 બેઠકોથી થતાં 116 ઉપર સંકોચાઈ ગયો. જોવા જઇએ, તો ભાજપની સ્થિતિ 2009ની સરખામણીમાં 1991માં બહેતર હતી, કારણ કે તે ચૂંટણીમાં ભાજપ પોતાના એજંડા સાથે મજબૂત નીતિ અને નિર્ણાયક નેતૃત્વના બળે મતદારો સમક્ષ ગયો હતો અને મતદારોએ તેને 120 બેઠકો આપી હતી. આજે જ્યારે ભાજપ પોતાનો એજંડા કેટલોય પાછળ મુકી ચુક્યો હતો, ત્યારે મતદારાઓ તેને બે દશકા જૂની સ્થિતિમાં લાવી મુક્યો. હકીકતમાં ભાજપને રાષ્ટ્રીય પક્ષ તરીકે સ્થાપિત કરવામાં એક બાજુ તેના મૂળ એજંડાએ મહત્વની ભૂમિકા ભજવી, તો બીજી બાજુ સત્તાના સિંહાસને પહોંચાડવામાં મોટો વિઘ્ન પણ બન્યો. ભાજપ એજંડાથી પીછેહઠ કરતો રહ્યો, પરંતુ નથી તો તે આ એજંડાને ક્યારેય છોડી શક્યો અને નથી તેને લાગુ કરવાની દિશામાં મજબૂતી સાથે આગળ વધી શક્યો, પરંતુ ભાજપ પાસે ફરી એક વાર મજબૂત નીતિ અને નિર્ણાયક નેતૃત્વ ઉપલબ્ધ છે. ભાજપે હવે પોતાના મૂળ એજંડા ઉપર મજબૂત નીતિ અને નિર્ણાયક નેતૃત્વ સાથે આગળ વધવું જોઇએ. આજે જ્યારે એનડીએના સાથી પક્ષો ભાજપ સાથે પોતાના ફાયદા-નુકસાન અંગે વિચારી શકતા હોય, તો ભાજપે પણ તેટલા જ અધિકાર સાથે એનડીએ સાથે આગળ વધવામાં પોતાના ફાયદા-નુકસાન અંગે વિચારવું જોઇએ.

સંકોચ રાખવાની જરૂર નથી

ભાજપે પોતાના એજંડા અંગે સંકોચ રાખવાની નહીં, પણ તેને મજબૂતી સાથે લોકો વચ્ચે રજૂ કરવાની જરૂર છે. તેણે ખુલીને પોતાના એજંડા, વિચારસરણી તેમજ સિદ્ધાંતો સાથે આગળ આવવું જોઇએ. આ જ સુદૃઢતા તેને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરશે એ સાચુ છે કે વિરોધી પક્ષો સામાન્ય રીતે ભાજપના એજંડાને સામ્પ્રદાયિકતાના રંગે રંગે છે, પરંતુ ભાજપે મતદારો વચ્ચે એવો વિશ્વાસ ઊભો કરવો પડશે કે તે કટ્ટરતાને ટેકો નથી આપતો. તે પણ તે જ ભારતીય બંધારણની પરિધમાં રહી દરેક કામ કરવા માંગે છે કે જે અન્ય પક્ષો કરે છે. પછી ભલે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાની બાબત હોય કે પછી હિન્દુત્વની. 120 કરોડની વસતીમાં બહુમતી હિન્દુત્વની ભલાઈ માટે જો તે વિચારતો હોય, તો તેમાં કંઈ ખોટું નથી. જોકે તે લઘુમતીઓ માટે જોખમ નથી. હિન્દુત્વને જ્યારે પોતે સુપ્રીમ કોર્ટ જીવનશૈલી તરીકે સ્વીકારી ચુકી છે, તો પછી ભાજપે સંકોચ કે શંકા રાખવાની જરૂર ક્યાં છે? સમાન નાગરિક સંહિતાને ભલે આ દેશમાં પોત-પોતાના રાજકીય ફાયદા-નુકસાનની દૃષ્ટિએ જોવામાં આવે, પરંતુ એ પણ સત્ય છે કે સુપ્રીમ કોર્ટ પોતે તેને લાગુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ચુકી છે. આટલા સુદૃઢ મુદ્દાઓ અને મોદી જેવા સક્ષમ નેતૃત્વ સાથે જો ભાજપ મતદારો વચ્ચે જશે, તો 2014 તો શું, 2019માં પણ દેશ ઉપર શાસન તેનો જ હશે અને ત્યારે ભાજપને કોઈ એનડીએની જરૂર નહીં રહે.

English summary
Own agenda can give the power to Bjp, no Nda.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more