
નકલી પોલીસે યુવકના પૈસા અને મોબાઇલ લૂંટી લીધા.
હજુ બે દિવસ પહેલા જ નકલી પોલીસ દ્વારા અમદાવાદના નારણપુરા, વસ્ત્રાપુર, સેટેલાઇટ, વાડજમાં વૃદ્ધા ને રોકી પોલીસ તરીકે ઓળખ આપી સોના ચાંદીના દાગીના પડાવી લેવાની ઘટના બની હતી ત્યારે ગઈકાલે અમદાવાદ ના ધમધમતા ખાડિયા વિસ્તારમાં પણ નકલી પોલીસે એક વ્યક્તિને રોકીને તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે બહેરામપુરા શિવપૂજા કોમ્પ્લેક્સમાં રહેતા તપન બુરાઈ નામનો યુવાન સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે. ગઈકાલે બપોરે 2 વાગ્યાના સુમારે તપન ખાડિયામાં આવેલી જ્વેલરી શોપમાં કામ માટે જઈ રહ્યો હતો ત્યારે ખાડિયા ગોળ લીમડા પાસે ચાર લોકોએ તેને પાસે બોલાવ્યો હતો. તેમણે પોલીસ તરીકે ઓળખાણ આપી હતી અને તેનો સામાન ચેક કરવાનું કહી તેનો મોબાઈલ ફોન અને રૂપિયા 20000 ની રોકડ ભરેલું પર્સ લઈ લીધું હતું. ત્યારબાદ એક વ્યક્તિ પર્સ અને રોકડ લઈ પોલીસ સ્ટેશન જાવ છું તેમ કહી નીકળી ગયો હતો અને બીજા વ્યક્તિએ કહ્યું હતું કે, પોલીસ સ્ટેશન આવી પર્સ લઈ જજો અને પછી એ લોકો પણ નાસી ગયા હતા. જોકે ખાડિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ તપનને ખબર પડી હતી કે નકલી પોલીસ તેનું પર્સ અને મોબાઇલ લૂંટી નાસી ગયા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.