યોગ દિવસઃ વર્લ્ડ રેકોર્ડની તૈયારી અને આતંકીઓનું ષડયંત્ર
21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ છે, રાજ્યમાં યોગ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. યોગની વાત આવે ત્યારે પહેલું નામ સૂર્ય નમસ્કારનું આવે છે. સૂર્ય નમસ્કાર વિના યોગની ક્રિયાઓ અધૂરી છે. સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ્સ છે, પરંતુ ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે વડોદરા ખાતે યોજાયેલ યોગ શિબિરમાં 275 લોકોએ મળીને 108 પ્રકારના સૂર્ય નમસ્કાર કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો દિશામાં ડગ માંડ્યા છે.
Gujarat: 275 ppl perform 108 Surya Namaskar together in Vadodara, ahead of the International Yoga Day, in an attempt to make a world record. pic.twitter.com/P3qpMQPzer
— ANI (@ANI_news) June 20, 2017
તો બીજી બાજુ અમદાવાદના જીએમડીસી મેદાનમાં 18 જૂનથી યોગ દિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે. ગુજરાત સરકાર અને બાબા રામદેવ પંતજલિ યોગપીઠ દ્વારા આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે. યોગ ગુરૂ બાબા રામદેવે આ અંગે જણાવ્યું કે, યોગ દિવસના નિમિત્તે નિશ્ચિતપણે મોટી સંખ્યeમાં લોકો એકત્ર થશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. આ માટેની તમામ વ્યવસ્થાઓ થઇ ગઇ છે. ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં બાબા રામદેવ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. યોગનો સમય સવારે 5થી સાંજે 7.30 સુધીનો રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યોગ દિવસની ઉજવણી માટે લખનઉ રવાના થનાર છે. લખનઉ ખાતે નરેન્દ્ર મોદી 50 લોકો સાથે યોગ કરી આ દિવસની ઉજવણી કરશે.
આતંકીઓના નિશાના પર ગુજરાત
વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભંગ પાડવા માટે આતંકવાદીઓ પણ રાહ જોઇને બેઠા છે. ગુપ્ત એજન્સિઓના અહેવાલ અનુસાર, યોગ દિવસે ઉત્તર પ્રદેશના મોટા શહેરો અને ગુજરાત આંતકીઓના નિશાના પર છે. યોગ દિવસે મોટો હુમલો કરવાની આતંકવાદીઓની તૈયારી છે, આ કારણે સ્થાનિક પોલીસને એલર્ટ રહેવાની સૂચના મળી છે. આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરે એવી શક્યતા છે, આતંકવાદીઓમાં મહિલાઓ પણ શામેલ છે. આ ખબરના પગલે દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા અમદાવાદ તથા લખનઉમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.