
અમિત શાહે ચાંદલોડિયા ખાતે ૩૩.૨૯ કરોડના વિકાસ કામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો!
અમદાવાદ : આજે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના શુભ ચાંદલોડિયા ખાતે એએમસી તથા પશ્ચિમ રેલવેના રૂ. ૩૩.૨૯ કરોડના વિભિન્ન વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે પહોંચ્યા હતા. આ પહેલા અમિત શાહે ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન ખાતે ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનો તથા ચાંદલોડિયા-ખોડીયાર રેલવે અંડરબ્રિજનું ઉદઘાટન સહિત વિવિધ જનલક્ષી કાર્યો ખુલ્લા મુક્યા હતા.
ચાંદલોડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યુ કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને સાબરમતી વિધાનસભા માટે રેલવે સુવિધાઓના સંદર્ભે આજે ખૂબ મહત્વનો અને મોટો દિવસ છે. સાબરમતી વિધાનસભા ક્ષેત્ર રેલ્વે લાઈનોથી વીંટળાયેલું હોય નાગરિકોને અનેક ફાટક નડતરરૂપ હતા. છેલ્લા 15 વર્ષમાં ચાંદલોડિયામાં ઓવરબ્રિજથી લઈ અને આજે લોકાર્પણ થયેલ અન્ડરબ્રીજ અને નવા ત્રણ બ્રિજના ખાતમુહૂર્ત દ્વારા વાહનોની અવરજવરમાં ક્યાંય પણ ફાટક ન નડે તેવી વ્યવસ્થા કરવામાં આપણે સફળ રહ્યા છીએ.
અમિત શાહે વધુમાં કહ્યું કે, ચાંદલોડિયાથી ટ્રેનની ટિકિટ લેવા છેક કાલુપુર મીઠાખળી જવું પડતું હતું પરંતુ હવે ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પર જ બુકિંગ કાઉન્ટર ખુલવાથી કન્યાકુમારી-કાશ્મીર સહિત સમગ્ર ભારતની ટિકિટોનું બુકિંગ અહીંથી થઈ શકશે અને નાગરિકોના સમય અને નાણાની પણ બચત થશે. ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પરના ઓછી ઊંચાઈના પ્લેટફોર્મના કારણે મુસાફરોને ઉતરવામાં તકલીફ પડતી હતી આજે બીજા પ્લેટફોર્મનું પણ ઊંચાઈ વધારીને લોકાર્પણ કરવામાં આવ્યું છે જેનાથી મુસાફરોને ખૂબ સુગમતા રહેશે. સાબરમતી રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે પ્રતીક્ષાલયનું લોકાર્પણ, ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પર એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા ફુટ ઓવરબ્રિજ અને ત્રણ અલગ અલગ જગ્યાએ અંડરબ્રિજના ખાતમુહૂર્ત કરાયા છે.
અમિત શાહે વધુમાં કહ્યું કે, રેલવેના અનેક પ્રશ્નો અને સમસ્યાઓનો આજે અંત આવ્યો છે. સરકારે ૨૦૧૯-૨૦માં ત્રણ, ૨૦૨૦-૨૧ માં ચાર અને ૨૦૨૧-૨૨ માં ત્રણ એમ ત્રણ વર્ષમાં ૧૦ ઓવર અને અંડરબ્રિજ બનાવી ક્રોસિંગ મુક્ત ગુજરાતની વિભાવના સાકાર કરી છે. ચાંદલોડિયા અને સાબરમતી રેલવે સ્ટેશન પર આજથી ૧૦ જેટલી ટ્રેનોના સ્ટોપેજ શરૂ થશે. ગોરખપુર - ઓખા, સોમનાથ - જબલપુર, બાંદ્રા - વેરાવળ, મુંબઈ - ઓખા, અમદાવાદ - સોમનાથ આબલી ખાતે, વડોદરા - જામનગર, બિકાનેર - દાદર, મુઝફરપુર- અમદાવાદ સહિતની ટ્રેનોનો લાભ હવે આ બંને સ્ટેશનો પરથી મળશે.
અમિત શાહે આગળ કહ્યું કે, રેલવેની કાયાપલટ થવાની સાથે મુસાફરોની સુવિધામાં પણ વધારો થયો છે. પહેલા દર વર્ષે ગુજરાતમાં રેલવે પાછળ ૫૯૦ કરોડ રૂપિયા ખર્ચાતા હતા આજે સરકારમાં એ ૫૯૦ કરોડથી વધીને ૩૯૬૦ કરોડ ખર્ચાઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, અમદાવાદ જેવો રિવરફ્રન્ટ દેશમાં ક્યાંય નથી, તમામ જરૂરી સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે. દેશમાં અમદાવાદ સિવાય બીઆરટીએસ પણ ક્યાંય સફળ નથી થઈ અને હવે ટૂંક સમયમાં મેટ્રોની સુવિધા પણ ઉપલબ્ધ થશે.