• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આણંદ કૃષિ યુનિ.ને કાશ્મીરી કેસરના ફુલો ખીલવવામાં મળી સફળતા

|
Google Oneindia Gujarati News
આણંદ, 21 માર્ચ : ગુજરાત તેની અદ્ભુત સ્વાદ અને મનમોહક રંગ માટે જગતમાં જાણીતી બનેલી કેસર કેરી માટે સુખ્યાત છે. હવે આણંદ કૃષિ વિશ્વવિઘાલય (એએયુ) ના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રોબાયો ટેકનોલોજીના સંશોધક વૈજ્ઞાનિકોનો પુરુષાર્થ સફળ થાય તો ગુજરાત રંગ અને સુગંધના બહુમૂલ્ય દ્રવ્ય કેસર (સેફ્રોન) માટે જાણીતું બને તે શક્ય છે.

આ સંશોધક વૈજ્ઞાનિકોને કાશ્મીરમાંથી આણેલા બિયારણને પ્રથમ ગ્રીન હાઉસના નિયંત્રિત વાતાવરણમાં અંકુરીત કરીને અને તે પછી તેને વાતાનુકૂલીત ધર ગણી શકાય તેવા સેફ્રોન હાઉસમાં ફેરવીને કેસરના ફુલો ખીલવવામાં પ્રથમ સોપાન જેવી નાનકડી અને આશાસ્પદ સિદ્ધિ મળી છે.
વિશ્વવિઘાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રોબાયો ટેકનોલોજીના પ્રોફેસર અને હેડ ડૉ. આર.એસ.ફોગાટના નેતૃત્વ હેઠળની ટીમ આ પ્રયોગને આગળ વધારવા કૃત સંકલ્પ છે. ડૉ. ફોગાટના મતે આ પાશેરામાં પહેલી પુણી જેવી સફળતાથી અમે પ્રોત્સાહિત થયા છે. જો કે આ અત્યંત પ્રાથમિક સફળતા છે પણ તેનાથી અમને સંશોધન આગળ વધારવાનું પ્રોત્સાહન અવશ્ય મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે કેસર આમ તો કાશ્મીર જેવા ઠંડા પ્રદેશનો પાક છે અને ૧૭થી ૨૦ ડીગ્રી જેટલા માફકસરના ઉષ્ણતામાનમાં તે લેવાય છે. શીતળ વાતાવરણ ધરાવતા કાશ્મીરના પડોશી રાજ્યોના વિશ્વવિઘાલયો સંશોધન સંસ્થાઓએ તેમના પ્રદેશમાં તેના ઉછેરના પ્રયોગો હાથ ધર્યા છે. પરંતુ ગુજરાત જેવા પ્રમાણમાં ગરમ વાતાવરણ ધરાવતા પ્રદેશમાં કેસરના પાકનું સંશોધન હાથ ધરનાર એએયુ પ્રથમ સંસ્થા છે. ગુજરાતની ધરતી પર ફલાવરીંગથી મેળવેલા કેસરના જથ્થાની ગુણવત્તા કાશ્મીરી કેસરને સમકક્ષ જણાય છે.

નયનાકર્ષક રંગ, ચિત્તાકર્ષક સુગંધ અને મગજ બહેર મારી જાય તેવો ભાવ (કિંમત) ધરાવતા કેસરને ગુજરાતમાં ઉગાડવાનો પ્રયોગ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોત્સાહનની દેન છે. તેમણે વિવિધ દેશના અન્ય પ્રદેશોમાં પાકતા જાણીતા પાકોને આપણી ધરતી પર પકવી શકાય કે કેમ? તેમના ગુણધર્મો આપણા પાકોમાં સિંચી શકાય કે કેમ? તેવા પ્રયોગો કરવાનું સૂચન કર્યું હતું. તત્કાલીન કૃષિ મંત્રીએ પણ તેમના વિચારને સમર્થન આપ્યું અને આ મનોમંથન કેસરના ફુલો ગુજરાતની ધરતી પર ખીલવવાના પ્રયોગ તરફ દોરી ગયું. એએયુના કુલપતિ (ચાન્સેલર) ડૉ. એ.એમ.શેખ અન્ય અધિકારીઓ અને રાજ્ય સરકાર કેસરના પ્રયોગકારોને સંપૂર્ણ પ્રોત્સાહન અને પીઠબળ આપ્યું છે.

હવે પછીના તબક્કામાં ટ્રાન્સજીનીક પ્રક્રિયા દ્વારા કાશ્મીરી કેસરના રંગ અને સુગંધ માટે જવાબદાર જીન્સને રાજ્યમાં પાકતા ફળ, અનાજ અને શાકભાજી પેદાશોમાં ઉમેરીને મૂલ્યવર્ધન (વેલ્યુએડીશન) કરવું, એરકંડીશન્ડ કેબીનને બદલે ગ્રીન હાઉસ/પોલી હાઉસમાં જ વાતાવરણ જાળવીને કેસરના કંદ (કોર્ન્સ)ને અંકુરીત કરવા અને ફુલો ખીલવવા, સ્થાનિકસ્તરે બિયારણ વિકસાવવું સહિતના જમીની પ્રયોગો હાથ ધરવાનો સંકેત પ્રયોગકારો આપી રહ્યાં છે.

સંશોધન એ આમ તો વૈજ્ઞાનિકોનું કામ ગણાય છે. પરંતુ ગુજરાતનો પુરુષાર્થી અને પ્રયોગશીલ ખેડૂત પોતાના કૃષિ અનુભવ અને જિજ્ઞાસા, કોઠાસૂઝ વડે સ્વપ્રયત્નો કરવામાં પાછળ પડતો નથી તેનો દાખલો આપતા ડૉ. ફોગાટે જણાવ્યું હતું કે, દાંતીવાડાના એક ખેડૂતે કાશ્મીરમાંથી બિયારણ આણીને, એએયુમાં તાલીમ લઈને કેસર ઉગાડવાનો પ્રયત્ન કર્યા અને ફુલો ખીલવવામાં તેને પણ સફળતા મળી. જો કે એ નોંધ લેવી જરૂરી છે કે આ પ્રયોગ અને સફળતા હજુ પ્રારંભિક અને પ્રાથમિક છે.

સન 2012ના ઓક્ટોબર મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં ચોથો ઇન્ટરનેશનલ સેફ્રોન સિમ્પોઝીયમ થયો હતો જેમાં ડૉ. ફોગાટ અને તેમની ટીમે ગુજરાતમાં કેસરના ફુલો ખીલવવામાં મળેલી સફળતાને લગતું પેપર પબ્લીશ કર્યું હતું. ગુજરાતની આ સિદ્ધિને તે સમયે આヘર્યની સાથે વધાવી લેવામાં આવી હતી. કહેવત છે કે મન હોય તો માળવે જવાય, કેસરની ખેતીના પ્રયોગને મૂલવવો હોય તો કહી શકાય કે પરિશ્રમ કરવાની ધગશ હોય, પ્રોત્સાહક વાતાવરણ હોય, કટીબદ્ધ ટીમ હોય, સંશોધનની કોઠાસૂઝ હોય તો કાશ્મીરનું કેસર ગુજરાતમાં ઉગાડી શકાય!

સુરંગીત અને સુરભિત કેસર (સેફ્રોન) ની વિશેષતાઓ
1. તેનું બિયારણ ડુંગળી જેવા કંદ (કોર્ન) ના સ્વરૂપમાં હોય છે. મધર કોર્નસ (મૂળકંદ) માંથી ડોટરકોર્નસ (નવા કંદ) નો વાવેતરની જમીનમાં આપોઆપ ગુણાકાર થતો રહે છે. એટલે એકવારનુ઼ વાવેતર ચારેક વર્ષ સુધી ઉત્તરોત્તર વધુને વધુ ફુલો આપતું રહે છે.

2. એએયુએ મધર કોર્નસ કાશ્મીરના પોમ્પોર વિસ્તારમાંથી મેળવ્યા હતા. કેસરની ખાસીયત એ છે કે કંદમાંથી પ્રથમ સીધેસીધો ફુલનો (કેસર) વિકાસ થાય છે. તે પછી પાન આવે છે અને છોડ ઉછરે છે. જો કે કેસર ફક્ત ફુલમાંથી મળે છે. છોડનો કોઇ ઉપયોગ નથી. અત્યારે પણ સેફ્રોન હાઉસની ક્યારીઓમાં તેના છોડ જોઇ શકાય છે.

3. ફુલના પુંકેસર અને સ્ત્રીકેસર પૈકી ફક્ત રતાશ પડતો માદા ભાગ જ કેસર તરીકે ઉપયોગી છે. આ પાકને પાણી અને ખાતર-દવાઓની નહીંવત જરૂર પડે છે. કેસરના ઔષધીય ઉપયોગો છે, તે પવિત્ર પૂજન દ્રવ્ય તરીકે અને મોંધી મીઠાઇઓને રંગ અને સુગંધથી સજાવવા વપરાય છે. ભારતના કાશ્મીર ઉપરાંત વિશ્વમાં સ્પેન, ઇરાન જેવા દેશોમાં કેસરની ખેતી થાય છે. હાલમાં અફધાનીસ્તાનમાં પણ શરૂ થઇ છે. જો કે ગુણવત્તામાં કાશ્મીરી કેસર શ્રેષ્ઠ ગણાય છે.

4. કેસરને ચુનાનું તત્વ વધુ ધરાવતી હોય તેવી એટલે કે કેલ્શીયમ સમૃદ્ધ જમીન માફક આવે છે. પ્રયોગ માટે ખાસ સોઇલ કમ્પોઝીશન બનાવ્યું છે.

5. એગ્રોબાયોટેક વિભાગમાં વિકસીત જાતોના ડીએનએ ફીંગર પ્રીન્ટીંગ સહિતના કૃષિકારોને ખેતીની વિવિધતા, વળતરયુક્તતા અને મૂલ્યવર્ધન વધારવામાં ઉપયોગી થાય તેવા પ્રયોગો-સંશોધનો થઇ રહ્યા છે. કાશ્મીરથી આણેલા કેસરના કંદ(બિયારણ) કોલ્ડ ટ્રીટેડ એટલે કે બરફ છાંટીને રાખેલા હતા. અત્રે તેના કંદને કોલ્ડ ટ્રીટમેંટ જરૂરી છે કે નહિ, કોલ્ડ ટ્રીટમેંટ વગરના કંદમાંથી કેસરના ફુલ ખીલવી શકાય કે કેમ તથા કંદની ડોર્મેન્સી (સુષુપ્તાવસ્થા-કુંભકર્ણ નિંદ્રા) બ્રેક કરવાના પ્રયોગો પણ વિચારાધીન છે. જેનાથી એપિ્રલથી ઓગસ્ટ સુધી જમીનમાં ડોર્મન્ટ (સુષુપ્ત) રહેતા કેસરના કંદને વહેલા અંકુરીત કરી શકાય. અંગ્રેજીમાં સેફ્રોન તરીકે ઓળખાતા કેસરનું વૈજ્ઞાનિક નામ crocus (ક્રોકસ) sativas છે. તેનું વાવેતર ઓગસ્ટમાં થાય છે.

English summary
Anand Agri Uni successfully cultivated Kashmiri Saffron in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X