ઘર આપવાનું મોદીનું વચન ગુજરાતીઓની મજાક છે: આનંદ શર્મા
આનંદ શર્માએ સુરતમાં મોદી પર આરોપ લગાવ્યા કે તેમણે કેન્દ્ર પાસેથી મળેલા ફન્ડનો દુરઉપયોગ કર્યો છે. તેમણે કેન્દ્રની યોજનાઓને ગુજરાતમાં યોગ્યરીતે લાગૂ કરી નથી, અને તેના રૂપિયા ખોટી જગ્યાએ વાપરવાનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મોદી જે વાઇબ્રન્ટ ગુજરાતનો નારો લગાવે છે જે અહીંની જનતા માટે મજાક છે અને તેઓ દુષ્પ્રચાર કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે મોદીના શાઇનીંગ ગુજરાતમાં બીપીએલ ધારકોની સંખ્યા વધીને 32 ટકા થઇ ગઇ છે. જ્યારે સાક્ષરતામાં ગુજરાત બીજા રાજ્યોની સરખામણીમાં પાછળ રહી ગયું છે. આનંદ શર્માએ મોદી પર આરોપ લગાવ્યો કે શિક્ષણ ક્ષેત્રમાં મોદી સરકારે કોઇ કામ નથી કર્યું. તેમણે રાજ્યમાં કોઇ નવી શિક્ષણ સંસ્થા નથી ખોલી, ટેકનિકલ શિક્ષણના નામે ગુજરાત ક્યાંય નથી આવતું.
શર્માએ જણાવ્યું કે જે રાજ્યમાં બાળ શિશુદર સૌથી વધારે 44 ટકા છે અને જ્યાં મહિલાઓ એનીમિયા અને બાળકો કુપોષણગ્રસ્ત હોય ત્યા મોદીનો વાઇબ્રન્ટ ગુજરાતનો દાવો ગુજરાતીઓ સાથેની મજાક છે. તેમણે વિવેકાનંદના જન્મદિવસ પર યોજેલી યાત્રાને પણ આડે હાથે લીધી અને કહ્યુ કે મોદીએ આ યાત્રામાં સરકારી રૂપિયાનો ભારે વ્યય કર્યો છે. આ યાત્રા અને ચૂંટણી પ્રચારમાં ખર્ચેલા 1100 કરોડ રૂપિયા જો લોકોના વિકાસ પર ખર્ચ કર્યો હોત તો લોકોનું ભલુ જરૂર થાત.