
જગદિશ વિશ્વકર્માએ ક્ચ્છમાં 40 કરોડના ખર્ચે એપીએમસીનું 'ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ' નું નામકરણ કરાયુ
સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)ના વરદ હસ્તે અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત અત્યાધુનિક સુવિધાઓથી સંપન્ન ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી હોલનું નામકરણ કરવામાં આવ્યું હતું. અંજાર બજાર સમિતિ દ્વારા નવું ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડ રૂ.૪૦ કરોડના ખર્ચે ૧૦ એકર ૧૬ ગુઠા જમીનમાં બનાવવામાં આવ્યું છે.
આ અત્યાધુનિક ફળ-શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અંજાર સહિતના અન્ય વિસ્તારમાંથી શાકભાજી, ફળફળાદી વગેરેની મોટા પ્રમાણમાં આવક થશે. આ માર્કેટયાર્ડનો સીધો જ લાભ ખેડૂતોને મળશે. સબ માર્કેટયાર્ડમાં ફરતી પાકી બાઉન્ડ્રી, મીઠા પાણીનો બોર, ૨૦૦ દુકાનો અને ગોડાઉનો, અદ્યતન ૨૫૦૦૦ સ્કે. ફૂટનો વિશાળ ઓક્શન શેડ, પાર્કિંગ માટે આધુનિક બેઝમેન્ટ, સી.સી.રોડ, સોલાર લાઈટ્સ, સીસીટીવી કેમેરા, ટોયલેટ બ્લોક, કેન્ટિન, અદ્યતન વિશાળ મેઈન ગેટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
આ અદ્યતન સબ માર્કેટયાર્ડનું નિર્માણ કુલ રૂ. ૪૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર તરફથી રૂ. ૫.૬૭ કરોડની સહાય આપવામાં આવી છે. રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)ના વરદ હસ્તે રૂ.૧.૫૦ કરોડનો ચેક બજાર સમિતિને આ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં સૌપ્રથમ રાજ શક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લીમીટેડ, મુંગરા, તા- મુંદ્રા કચ્છની નોંધણી કરવામાં આવી છે. જેનું નોંધણીનું પ્રમાણપત્ર રાજ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.