ગુજકાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાની નિયુક્તિ!
ગાંધીનગર : ગુજરાતમાંથી કોંગ્રેસ પાર્ટીને લગતા મોટા સમાચાર આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરી છે. તેમની નિમણૂક આશ્ચર્યજનક છે. અત્યાર સુધી આ પદ માટે હાર્દિક પટેલ અથવા દીપક બાબરિયાના નામની વધુ ચર્ચા થઈ રહી હતી. જો કે પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ વચ્ચે સંતુલન સાધવા માટે જગદીશ ઠાકોરને આ પદ સોંપવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે 22 ઓક્ટોબરે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે નવા પ્રદેશ અધ્યક્ષને લઈને બેઠક કરી હતી. તે બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને ચર્ચા થઈ હતી. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતના 25 જેટલા નેતાઓએ હાજરી આપી હતી. આ સાથે જ કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય દળના નેતાના નામની પણ ચર્ચા કરી હતી. ત્યારથી વિપક્ષના નેતા માટે આદિવાસી નેતા અને ધારાસભ્ય સુખરામ રાઠવાનું નામ મોખરે ચાલી રહ્યું હતું. જો કે પાટીદાર નેતા વિરજી ઠુમ્મરનું નામ પણ ચર્ચામાં હતું. હવે આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવી છે.
કોંગ્રેસે ગયા વર્ષે ગુજરાતમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપી હતી. સોનિયા ગાંધીએ તેમને તાત્કાલિક અસરથી કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. તે સંદર્ભે કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલ દ્વારા એક પત્ર પણ જારી કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવાનો આદેશ હતો. હાર્દિક પટેલને ગુજરાતના યુવાનોમાં પાટીદાર નેતા તરીકે ખૂબ જ લોકપ્રિય ગણવામાં આવે છે. થોડા વર્ષો પહેલા તે પાટીદાર આંદોલનના ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. જે બાદ તે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.