
મોઢવાડિયાએ પ્રદેશ પ્રમુખ પદેથી, ગોહિલે વિપક્ષના નેતા પદેથી આપ્યું રાજીનામુ
બીજી તરફ વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પરિણામોની નૈતિક જવાબદારીનો સ્વીકાર કરીને વિરોધપક્ષના નેતા તરીકે પોતાનું રાજીનામુ આપી દીધું છે. ગોહિલે ભારતીય જનતા પક્ષને મળેલી સફળતા માટે ભાજપને અભિનંદન પાઠવેલ છે. વિધાનસભાની ચૂંટણીઓ દરમ્યાન કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો તેમજ મિત્રોએ ખૂબ જ તનતોડ મહેનત કરી છે અને જે સહયોગ આપેલો છે તે તમામનો શક્તિસિંહ ગોહિલે આભાર માન્યો છે. ભાવનગર ગ્રામ્યમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલને 65,426 મતો મળ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાએ 77604 મત મેળવી જોરદાર માત આપી છે. અર્જુનભાઇ મોઢવાડિયાને પોરબંદરની આ બેઠક પર 60458 જેટલા મત મેળવ્યા છે.
પત્રકારો સાથેની વાતચીતમાં મોઢવાડિયાએ જણાવ્યું કે 'ગુજરાતમાં કોંગ્રેસને જીતાડી ના શક્યો એવી નૈતિક જવાબદારીનો હું સ્વીકાર કરું છું, અને ગુજરાતની પ્રજાના નિર્ણયનો અમે સ્વીકાર કરીએ છીએ. અમે સત્તાપક્ષની ખુબી અને અમારી ખામીઓ પક્ષની બેઠક યોજીને ચર્ચા કરીશું, વધુ સારુ કામ કરવાનો પ્રયત્ન કરીશું'
મોઢવાડીયાએ મોવઢીમંડળને પોતાનું રાજીનામુ મોકલાવી દીધું છે પરંતુ મોવઢીમંડળે તેમના રાજીનામાનો હજી સુધી સ્વીકાર કર્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોના પ્રદેશ પ્રમુખની હાર થઈ છે.