જન આશીર્વાદ યાત્રા સાબરકાંઠામાં પ્રવેશતા જ કોરોના મહામારી ભુલાઇ, માસ્ક વગર દેખાયા નેતા
આશરે એક મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. જેમાં ગુજરાતમાંથી બે નેતાઓને કેબિનેટ અને ત્રણ નેતાઓને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. હવે નવા બનેલા મંત્રીઓ જનતાના આશીર્વાદ મેળવવા માટે ત્રણ દિવસની જન આશીર્વાદ યાત્રા કાઢી રહ્યાં છે. આ યાત્રા ગુજરાતમાં ચાલી રહી છે. એવું લાગે છેકે કોરોનાની ગાઇડલાઇન માત્ર સામાન્ય જનતાને જ લાગુ પડે છે. રાજકીય નેતાઓ છડેચોક કોવિડની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરે છે પણ તેમના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
સાબરકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રામાં ભારે જનમેદની વચ્ચે સંચાર પ્રધાન દેવુ સિંહ ચૌહાણ અને હિંમતનગરના ધારાસભ્ય રાજુભાઇ ચાવડા સહિત મોટા નેતાઓ માસ્ક ઘરે ભુલી ગયા હોય એવું લાગે છે. કોરોના પ્રત્યે જાગૃતિ માટે કરોડોના ખર્ચે હોર્ડીંગ્સ બનાવવામાં આવતા હોય છે. જનતા તો કોરોના ગાઇડલાઇનનું પાલન કરે છે પરંતું નેતાઓ પર આ મામલે વારંવાર સવાલો ઉઠતા હોય છે. શું આ નેતાઓને કોઇ કહેવા વાળું નથી?