આસારામ બાદ હવે તેના પુત્રનો નંબર, નારાયણ સાંઈની આજે કોર્ટમાં સુનાવણી
2013 માં સગીરા બળાત્કાર કેસ મામલે બુધવારે આસારામને દોષી જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ગુરુવારે આસારામના પુત્ર નારાયણ સાંઈ પર પણ ગંભીર આરોપ છે. સુરતની બે બહેનો પર આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ બળાત્કાર કર્યો હતો. આ જ કેસમાં નારાયણ સાંઈની બુધવારે કોર્ટમાં સુનાવણી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસે કોર્ટને બુધવારની જગ્યાએ ગુરુવાર કરવાની અરજી કરી હતી. કોર્ટે પોલીસની આ અરજીનો સ્વીકાર કરીને સુનાવણીની તારીખ એક દિવસ આગળ વધારી દીધી હતી.
નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં લગભગ 4 વર્ષથી બંધ
નારાયણ સાંઈ સુરતની લાજપોર જેલમાં લગભગ 4 વર્ષથી બંધ છે. સુરતની બે બહેનોએ આસારામ અને નારાયણ સાંઈ પર આરોપ લગાવ્યા હતા. નારાયણ સાંઈ પર પીડિતાની નાની બહેને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ કેસ 10 વર્ષ જૂનો હતો. પીડિતાના નિવેદન બાદ અને બીજા ઘણા પુરાવાઓના આધાર પર પોલીસે નારાયણ સાંઈ સામે કેસ દાખલ કર્યો છે.
ધરપકડ સમયે નારાયણ સાંઈએ શીખનો વેશ ધારણ કર્યો હતો
પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરાયા બાદ નારાયણ સાંઈ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. એફઆઈઆર દાખલ થયાના લગભગ બે મહિના બાદ નારાયણ સાંઈની હરિયાણા-દિલ્હી સીમા પાસે ધરપકડ કરવામાં આવી. ધરપકડ સમયે નારાયણ સાંઈએ શીખનો વેશ ધારણ કર્યો હતો.
ધરપકડથી બચવા માટે આપી હતી કરોડોની લાંચ
આટલુ જ નહિ નારાયણ સાંઈએ ધરપકડથી બચવા માટે પોલીસોને 13 કરોડ રુપિયાની લાંચ આપવાની પણ કોશિશ કરી હતી. નારાયણ સાંઈ પાસેથી લાંચ લેવાના આરોપમાં એક પોલીસ ઈન્સ્પેક્ટરની બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈન્સ્પેક્ટર પાસેથી 5 કરોડ રુપિયા અને પ્રોપર્ટીના દસ્તાવેજ મળ્યા હતા.