પાંચ વર્ષમાં ઓગસ્ટનું સૌથી નબળું ચોમાસું, પાંચ જીલ્લામાં 60 ટકાથી વધુ વરસાદની અછત
અમદાવાદ : ચાલુ વર્ષે ઓગસ્ટના પ્રથમ 26 દિવસોમાં ગુજરાતમાં કુલ 54 mm સરેરાશ વરસાદ નોંધાયો છે, જે મોસમી વરસાદના માત્ર 15 ટકા છે. જેની સરખામણીએ વર્ષ 2020 અને 2019માં અનુક્રમે 543 mm અને 400 mm વરસાદ નોંધાયો હતો. GSDMAના ડેટા દર્શાવે છે કે, રાજ્ય માટે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નબળું ચોમાસું છે.
રાજ્ય તેના મોસમી વરસાદમાં 50 ટકાથી વધુ અછત ધરાવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી પહેલાથી જ સંકેત આપી ચૂકી છે કે, મહિનાના અંત સુધી સારા વરસાદની સંભાવના ઓછી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય રીતે સારો વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે તમામ જિલ્લાઓમાં અછત છે. રાજ્યના પાંચ જિલ્લામાં જેવા કે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં 60 ટકાથી વધુ વરસાદની અછત છે.
IMDના આંકડા દર્શાવે છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 26 ઓગસ્ટ સુધી લાંબા ગાળાની સરેરાશ સામે 50 ટકા વરસાદની અછત છે, જ્યારે બાકીના રાજ્યમાં આ આંકડો 46 ટકા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ રાજ્યમાં ચોમાસાની અછત અનુભવાઈ રહી છે.
મોટાભાગના જિલ્લાઓમાં વર્ષના આ સમયે તેમના સરેરાશ કરતા ઘણો ઓછો વરસાદ થયો છે. સિંચાઈ હેતુઓ માટે બનાવાયેલા 200થી વધુ બંધોમાં હાલમાં ખૂબ ઓછું પાણી છે. આ સાથે નીતિન પટેલે ખાતરી આપી હતી કે, નર્મદા ડેમમાં પીવા માટે પૂરતું પાણી છે, જે લોકો સુધી જરૂરિયાત મુજબ પહોંચાડવામાં આવશે. સરદાર સરોવર ડેમમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાણી ઓછું છે, પરંતુ નર્મદા મંત્રી તરીકે, હું ચોક્કસપણે કહી શકું છું કે, નર્મદા ડેમમાં પાણીની માત્રા ગુજરાતના ચાર કરોડથી વધુ લોકોને આગામી આખા વર્ષ દરમિયાન પીવા માટે પૂરતુ પાણી છે.
સિંચાઈના હેતુઓ માટે પાણીને ડેમમાંથી વાળવામાં આવે છે, તે અંગે ટિપ્પણી કરતા પટેલે જણાવ્યું હતું કે, પીવાના હેતુ માટે પાણી અનામત રાખ્યા બાદ વધારાનું પાણી પાક માટે આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર નર્મદા કેનાલ નેટવર્ક સાથે જોડાયેલા ડેમોમાંથી સિંચાઈ માટે પાણી પૂરું પાડી રહી છે.