જળ સંચય કરવા બનાસ ડેરીએ આદર્યુ મહાઅભિયાન
બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ ખુબ ઉંડા હોવાના કારણે ખારાશનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. અનિયમિત વરસાદ અને અછતના કારણે પાણીના તળ નીચે બેસી ગયા છે. જોકે, આ યક્ષ પ્રશ્ર્ન સમગ્ર રાજ્યમાં પણ વ્યાપત છે. ત્યારે, રાજ્ય સરકાર દ્વારા જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવે છે. રાજ્ય વ્યાપી આ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા તળાવો ઉડાં કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે.
ત્યારે, બનાસકાંઠા જિલ્લાની સહકારીક્ષેત્રની એશિયાની સૌથી મોટી બનાસડેરીએ પણ આ જળસંચય કરવા અને પાણીના તળ ઉપર લાવવા અભિયાન હાથ ધર્યુ છે. વરસાદ નિયમિત કરવા અને વેરાન થતાં પ્રદેશમાં હરિયાળી વધારવા વૃક્ષારોપણનું મહા અભિયાન હાથ પર લીધું છે. બનાસડેરી દ્વારા વેરાન અને ખુલ્લી જમીનમાં તેમજ પહાડી વિસ્તારમાં 20 લાખ જેટલા સિડ્સ બોલ વેરીને વૃક્ષો વાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 5 જૂન પર્યાવરણ દિવસના રોજ અલગ અલગ ટુકડીઓ દ્વારા પહાડ અને જંગલ વિસ્તારમાં સિડ્સ બોલ નાખીને વૃક્ષોનું પ્રત્યારોપણ કરવામાં આવશે, જેના કારણે વરસાદ પડતાંની સાથે જ આ સિડ્સ બોલમાંથી વૃક્ષ અંકુરણ ઉત્પન્ન થઇ શકશે.
બનાસડેરી દ્વારા આ સિડ્સ બોલ બનાવવા માટે આસપાસના ગામોમાંથી છાણ અને ખાતર એકત્ર કરી તેમાં વૃક્ષોના બી નાખી તેને જંગલ તેમજ વેરાન અને ખુલ્લા પ્રદેશમાં નાખવામાં આવશે. આ કારણે જંગલો વધુ પ્રમાણમાં ઉભા કરવા પ્રયાસ કરાઇ રહ્યો છે.
સામાન્ય રીતે, વૃક્ષોનું નિકંદન મોટા પ્રમાણમાં થઇ રહ્યુ છે ત્યારે, આ રીતે વૃક્ષોનો ઉછેર કરવામાં અને તેનું વાવેતર કરવામાં આવે તે ખુબ જરુરી બની ગયું છે. જળ સંચય કરવા તથા વૃક્ષો ઉછેરવાની દિશામાં બનાસ ડેરીએ ખુબ મહત્વપુર્ણ અભિયાન હાથ પર લીધુ છે.