બનાસકાંઠાઃ કુંભાસણ રોડ પર એક્ટિવા સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત
તાજેતરમાં જ બનાવવામાં આવેલ નવીન રોડની બંને બાજુએથી કાંકરી ન હટાવતા અકસ્માત સર્જાઈ રહ્યા છે. બે દિવસ પહેલા કુંભાસણ ગામના પાટિયા નજીક પાલનપુરથી સુંઢા જતા હરિભાઈ મગનભાઈ વહોરાની આંખમાં કાંકરી ઉડતા એક્ટિવા પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે એક્ટિવા સ્લીપ થઈ જતા હરિભાઈ વહોરા બાજુમાં આવેલ ઝાડ સાથે અથડાયા હતા. જેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક 108ની મદદથી પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ છે. કૉન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોત થયુ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. રોડ બનાવ્યા બાદ બંને સાઈડની કાંકરી દૂર ન કરાતા વધુ અકસ્માત સર્જાવાની પણ ભીતિ લોકો સેવી રહ્યા છે. નવીન માર્ગની સુવિધા પહેલા એક પરિવારના મોભીનો જીવ ભરખી લીધો છે ત્યારે કૉન્ટ્રાક્ટરની બેદરકારી માટે લોકોમાં નારાજગીના સૂર ઉઠવા પામ્યા છે.