ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપ રોડમેપ તૈયાર કરશે, પ્રદેશ કારોબારી મળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતવા માટે એક્શન પ્લાન બનાવા ગાંધીનગર પ્રદેશ કાર્યલય ખાતે પ્રદેશ કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના વિવિધ કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સાથે ભાજપના વિવિધ મોર્ચાના કાર્યક્રમોને અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ભાજપના જિલ્લા પ્રભારી, મંત્રીઓ, સંગઠન પ્રભારીઓને સોપવામાં આવનારી કામગીરી તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને જનતા સુધી પહોંચાડવાની કામગીરી તેમજ આગામી સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં જાતિગત સમિકરણો, ભૌગોલિક સમીકરણો જે બેઠકો 2017 માં ઓછા માર્જિનથી ગુમાવી હતી. તેમજ જે બેઠકો પર કોંગ્રેસનો ગઢ છે, તેમા કેવી રીતે ગાબડું પાડી શકાય તે તમામ પ્રકારના મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં વધુ સમય ફાળવી શકે તે માટેનું આયોજન કરવામાં આવશે. આ સાથે સાથે અન્ય મંત્રીઓ ગુજરાતના પ્રવાસમાં આવી શકે અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને જનતા સુધી પહોચાડીને તેમજ છેવાડાના માનવીને વધુ તેનો લાભ મળે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ભાજપના આગેવાનો દ્વારા આદિવાસી પટ્ટામાં આવેલી 40 બેઠકોમાંથી વધારેમાં વધારે બેઠકો કેવી રીતે મેળવી શકાય તેની ચર્ચા પણ આ કરવામાં આવશે. જેના ભાગ રૂપે જ રાજ્ય સરકાર દ્વારા નર્મદા તાપી લીંકનો પ્રોજેક્ટ રદ્દ કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા અમિત શાહ અને ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ચિંતન બેઠક યોજાઇ હતી. જેમા ભાજપની જીત માટેનો એજેન્ડા નક્કી કરવામાં આવ્યો હતો. તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.
બે દિવસ ચાલનારી પ્રદેશ કારોબારીની શરૂઆત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના સંબોધન સાથે થઇ હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાત રાજ્યના સહ પ્રભારી સુધીર ગુપ્તા પણ હાજર રહ્યા છે.