પેટાચૂંટણી : બ્રિજેશ મેરજા ભાજપને મોરબી બેઠક પર તારશે કે ડુબાડશે?
3 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી પહેલાં મોરબીનું રાજકરણ ગરમાયું છે. પેટાચૂંટણી માટે બીજા ઉમેદવારનું નામ જાહેર થતાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.
ભાજપે મોરબી બેઠક માટે બ્રિજેશ મેરજાની પસંદગી કરી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેમણે કૉંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.
કૉંગ્રેસે મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જયંતીભાઈ પટેલની જાહેરાત કરી છે.
મોરબી બેઠકની સ્થિતિ
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે.
1967ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પાર્ટી'ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા.
'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1.86%ની પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા ચૂંટાઈ આવ્યા હતા. તેમને 89396 મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર અમૃતિયા કાંતિલાલને 85977 મત મળ્યા હતા.
2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસ 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી.
વેબસાઇટ અનુસાર 1985માં ભાજપે મોરબી બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી અને 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો 1995થી લઈને સળંગ ચાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અહીં જીત્યો છે.
- થાઇલૅન્ડમાં રાજાશાહી સામે ફરી બળવો, કટોકટી જાહેર કરાઈ
- નરેન્દ્ર મોદી અને અમિત શાહમાંથી કોણ વધુ પૈસાદાર?
ભાજપ મોરબી બેઠક જીતી શકશે?
વરિષ્ઠ પત્રકાર અને રાજકિય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "બ્રિજેશ મેરજા પક્ષપલટો કરવાનો ઇતિહાસ ધરાવે છે અને એટલા માટે કૉંગ્રેસ પક્ષપલટું અભિયાન ચલાવે તો પણ મારું માનવું છે કે ચૂંટણીમાં ખાસ ફેર નહીં પડે. મોરબી બેઠકમાં ભાજપ હજી પણ મજબૂત સ્થિતિમાં છે અને બ્રિજેશ મેરજા ચૂંટણી જીતી શકે છે."
"મોરબી પેટાચૂંટણીમાં માત્ર એક ફૅકટર જે ભાજપને અસર કરી શકે છે અને તે છે પક્ષના નેતા કાંતિલાલ અમૃતિયા. જો ચૂંટણી અભિયાન દરમિયાન અને મતદાન વખતે તેઓ નિષ્ક્રિય રહે તો ચોક્કસ મળવા જોઈએ એટલા મત ભાજપને નહીં મળે. ભાજપ માટે જરૂરી છે કે કાંતિલાલ અમૃતિયા ચૂંટણીમાં સક્રિય રહે અને પક્ષ માટે કામ કરે."
તેઓ જણાવે છે કે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે સમગ્ર સૌરાષ્ટ્રમની અંદર મોરબી પાટીદાર આંદોલનું ગઢ હતું અને હાર્દિક પટેલની લોકપ્રિયતા હોવા છતાં કાંતિલા અમૃતિયા માત્ર 3419 મતોથી ચૂંટણી હારી ગયા હતા. આ સૂચવે છે કે તેઓ હજુ પણ મતદારો વચ્ચે લોકપ્રિય છે.
2011ની વસતીગણતરી પ્રમાણે મોરબી બેઠકમાં 256015 મતદારો છે, જેમાં 52% પુરૂષ મતદારો અને 47.54% સ્ત્રી મતદારો છે.
મોરબીમાં સ્થાનિક પત્રકાર મહેન્દ્રસિંહ જાડેજા કહે છે, "આ બેઠકમાં 65000 -70000 પાટીદાર મતદારો છે, જે સૌથી વધુ છે. લઘુમતિ સમાજના 30000 મત છે અને 25000 અનુસૂચિત જાતિ અને એટલા પ્રમાણમાં સતવારા સમાજના મત છે. આ ઉપરાંત લોહાણા, બ્રાહ્મણ, આહીર, ક્ષત્રિય, રબારી, જૈન અને નાગર, મરાઠી અને પરપ્રાંતીય સમાજના મત છે."
પત્રકાર કાના બાંટવા કહે છે, "ભાજપ અને કૉંગ્રેસ બંને પાટીદાર ઉમેદવારોને ટિકીટ આપી છે અને એટલા માટે આ ચૂંટણીમાં પાટીદાર મતો મહત્ત્વના બની જાય છે. મોરબીમાં કડવા પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં છે અને એ જોવાનું રહેશે કે કૉંગ્રેસ પાટીદાર મતો મેળવવાની સ્થિતિમાં છે કે નહીં."
મુદ્દાઓ શું છે?
કાના બાંટવા કહે છે, "ઔદ્યોગિક શહેર હોવા છતાં આ પેટાચૂંટણીમાં કોઈ એવા મોટા સ્થાનિક મુદ્દાઓ નથી. કૉંગ્રેસ દ્વારા પક્ષ પલટુઓનો જે મુદ્દો ઉપાડવામાં આવ્યો છે, તે હાલ ચર્ચામાં છે અને ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને અસર કરી શકે છે."
"ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે મોરબીમાં આ આંદોલન સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેનો લાભ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને થયો હતો. ચૂંટણી અભિયાનમાં જો કૉંગ્રેસ પાટીદાર હક્કો વિશે વાત કરે તો બ્રિજેશ મેરજાને ચૂંટણીમાં નુકશાન થઈ શકે છે."
તેઓ વધુમાં જણાવે છે કે કૉંગ્રેસ જો સારી રીતે મહેનત કરે તો મોરબી બેઠક ફરી કબજો કરી શકે છે.
"હજુ સુધી કૉંગ્રેસ દ્વારા આક્રામક રીતે પ્રચાર શરૂ કરવામાં આવ્યો નથી. હાર્દિક પટેલ જો સભાઓ કરે તો ચોક્કસ પક્ષને લાભ થઈ શકે છે."
પત્રકાર જાડેજો જણાવે છે, 'મોરબી ઔદ્યોગિક ક્ષેત્રનું વાર્ષિક ટર્નઓવર 35000 કરોડ રૂપિયા છે પરતું પેટાચૂંટણીમાં ઉદ્યોગોની સમસ્યાઓ વિશે બહુ વાત નથી થઈ રહી. ઉદ્યોગોની માગણી પ્રમાણે ગૅસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પરતું રસ્તાઓ અને બીજી પાયાની સુવિધાઓનો હજુ ઉકેલ આવ્યો નથી."
જગદીશ આચાર્ય કહે છે, "રાજ્ય સરકારે વચન આપ્યું છે કે મોરબીના જે સ્થાનિક મુદ્દાઓ છે તેનો અમે ઉકેલ લાવીશું. સિરામિક્સઉદ્યોગના જે પ્રશ્નો છે તે હલ કરવાનું વચન રાજ્ય સરકાર આપ્યું છે. કૃષિ સુધારા કાયદો વિશે ગુજરાતમાં કોઈ ખાસ ચર્ચા નથી. ખેડૂત આગેવાનો અને ખેડૂતોએ એવાં કોઈ વિરોધપ્રદર્શનો કર્યાં નથી, જેની ચૂંટણીમાં અસર દેખાય."
મતદારો માટે મેં કામ કર્યાં : બ્રિજેશ પટેલ
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં બ્રિજેશ પટેલે જણાવ્યું, "લોકો માટે જે કામો કર્યાં છે, તેના આધારે હું તેમની પાસે મત માગવા જઈશ. એક જાગૃત ધારાસભ્ય તરીકે આ ત્રણ વર્ષોમાં મેં પૂરી નિષ્ઠાથી લોકોની સેવા કરી છે. હું ચોક્કસપણે માનું છું કે ચૂંટણીમાં લોકો મને મત આપશે."
"કૉંગ્રેસ જે મારી પર પક્ષપલટુનો આરોપ લગાવી રહી છે, તે વિશે હું માત્ર એટલું જ કહીશ કે મેં કૉંગ્રેસ દ્વારા મળેલા પદનો ત્યાગ કર્યો છે અને સત્તાનો પણ ત્યાગ કર્યો છે. મેં કૉંગ્રેસને છોડી દીધું છે અને આને પક્ષપલટો નહીં પણ હૃદયપલટો કહેવાય છે."
સ્થાનિક મુદ્દાઓ ઉઠાવીશઃ જ્યંતિભાઈ પટેલ
કૉંગ્રેસના ઉમેદવાર જ્યંતિ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પેટાચૂંટણીમાં તેઓ સ્થાનિક મુદ્દાઓ ઉઠાવશે અને ભાજપ સરકારને પ્રશ્નો પૂછશે.
તેઓ કહે છે, "મોરબીના ખેડૂતોના ઘણા પ્રશ્નો છે, જેનો હજુ ઉકેલ આવ્યો નથી. પાછલાં ચાર વર્ષથી ખેડૂતોને પાક વીમો મળ્યો નથી અને રાજ્ય સરકાર માત્ર દાવાઓ કરી રહી છે. મોરબીના ઉદ્યોગોના પ્રશ્નો પણ આ ચૂંટણીમાં ઉઠાવીશું."
"બ્રિજેશ પટેલના રાજીનામું આપવાના કારણે સમગ્ર મોરબીના મતદારો નારાજ છે, જેનો સીધા લાભ કૉંગ્રેસને થશે."
સૌરાષ્ટ્રની બીજી બેઠકોનો ઇતિહાસ
મોરબીની સાથે લીમડી, ધારી અને ગઢડા બેઠકોમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. લીમડી બેઠકમાં અત્યારસુધી 13 વખત ચૂંટણી થઈ છે, તેમાંથી 8 વખત કૉંગ્રેસે આ બેઠક પર જીત મેળવી છે, જ્યારે ભાજપે 4 વખત આ બેઠક કબજે કરી છે. 1967ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક સ્વતંત્ર પાર્ટીના ખાતામાં ગઈ હતી.
લીમડી બેઠકમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે જે મતોનું અંતર છે તે 6થી 7% રહ્યું છે. માત્ર 2012ની વિધાનસભાની ચૂંટણીમાં જીતનું અંતર 0.99% હતું. આ કૉંગ્રેસના સોમાભાઈ કોળી પટેલ માત્ર 1561 મતોથી જીત મેળવી હતી.
ગઢડા બેઠકની વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપ મજબૂત છે.
1972થી લઈને 1985 સુધી કૉંગ્રેસ અહીં બહુ મજબૂત સ્થિતિમાં હતી.
1990ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મંગળલાલ રાણવા 16881 મતથી ચૂંટાઈને આવ્યા હતા.
2002ની વિધાનસભાની ચૂંટણી સિવાય કૉંગ્રેસ આ બેઠક પર જીત મેળવી શકી નથી. 1995થી આત્મારામ પરમાર આ બેઠકમાં ભાજપના ઉમેદવાર રહ્યા છે અને આ પેટાચૂંટણી માટે પક્ષ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે.
1967ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક સ્વતંત્ર પાર્ટીના ખાતામાં ગઈ હતી.
ધારી વિધાનસભા બેઠક રાજકીય રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય કહી શકાય એમ છે.
ધારી બેઠકમાં ભાજપ અને કૉંગ્રેસની સાથેસાથે બીજા પક્ષોના ઉમેદવારોએ પણ ચૂંટાઈને આવ્યા છે.
1962થી 1972ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં કૉંગ્રેસના ઉમેદવારો ચૂંટાતા રહ્યા છે. 1975થી 1990ની વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા પક્ષોના ઉમેદવારોની જીત મેળવી છે.
1995ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે, જ્યારે 1998ની ચૂંટણીમાં ભાજપે આ બેઠક કબજે કરી હતી.
2012ની ચૂંટણી વખતે ગુજરાત પરિવર્તન પાર્ટીના નલિન કોટડિયા આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=O7NhinqJOUE
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો