રામ મંદિર મુદ્દે કોંગ્રેસ નેતા પર ભડક્યા સી આર પાટીલ, કહ્યુ - આમનુ મેન્ટલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવો
અમદાવાદઃ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ બુધવારે પાદરામાં એક સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા જ્યાં તેમણે કોંગ્રેસ નેતા પર જોરદાર નિશાન સાધ્યુ છે. તમને જણાવી દઈએ કે સી આર પાટીલ દ્વારા દિવ્યાંગો, વિધવાઓ સાથે સીધા સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે લોકોની સમસ્યાનુ નિવારણ લાવવા માટે યોજવામાં આવ્યો હતો.
રામ મંદિર મુદ્દે કોંગ્રેસના એક નેતાએ જાહેર મંચ પરથી કરેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યુ કે કોંગ્રેસના આ નેતાનુ મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈને ચેક અપ કરાવવુ જોઈએ. કોંગ્રેસના એક નેતાની તાકાત હોય તો અન્ય ધર્મના લોકોની સામે બોલે. અન્ય ધર્મના લોકો જે એમની આજુબાજુ ફરે છે એમના વિશે બોલે કે કૂતરા એમના ધર્મ સ્થાન પર નૈસર્ગિક કાર્ય કરે છે તો હું મર્દ સમજુ. કોંગ્રેસના નેતાને વૉર્નિંગ આપુ છુ. શાનમાં સમજી જાય, હિંદુ લોકોની લાગણી દુભાવવાનુ બંધ કરે નહિતર તો હિંદુ લોકો છોડશે નહિ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે ત્યારે દરેક પક્ષ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. આ દરમિયાન મંગળવારે ફરીથી રામનામ ચૂંટણીમાં જોડાઈ ગયુ છે. કોંગ્રેસના એક નેતાએ કાર્યક્રમ દરમિયાન રામ મંદિર પર નિવેદન આપીને કહ્યુ હતુ કે જે રામને છેતરે એ આપણને છોડે ખરા? કરોડો રૂપિયા સરકારે ફાળવ્યા બાદ પણ ભાજપ ઘરે ઘરે જઈને રામ મંદિર માટે રુપિયા ઉઘરાવે છે. આ નિવેદન પર હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે પ્રતિક્રિયા આપી છે.