
આપ નેતા ગોપાલ ઈટાલિયાએ PM મોદીની મા પર કરી ટિપ્પણી, કોંગ્રેસ પણ ભડકી, CM બઘેલે કહ્યુ - સહન નહિ કરે દેશ
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આમ આદમી પાર્ટી પર જોરદાર નિશાન સાધીને ગોપાલ ઈટાલિયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીની નિંદા કરી છે. આપ નેતા ગોપાલ ઈટાલિયાએ હાલમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને તેમની મા હીરાબા વિશે ટિપ્પણી કરી હતી. જેના પર ભડકી ઉઠેલા સીએમ બઘેલે કહ્યુ કે, 'ગુજરાત અને દેશ આને સહન નહિ કરે.'
છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યુ કે, 'તેમણે(ગોપાલ ઈટાલિયા) જાતિવાદી ટિપ્પણી કરી છે જેને ગુજરાત અને દેશ સહન નહિ કરે. તેમણે પીએમની માતા વિશે ટિપ્પણી કરી. મા એ મા હોય છે, પછી ભલે તે કોઈ પણ હોય. પૂત કપૂત હોઈ શકે પણ મા ક્યારેય કુમાતા નથી હોતી. તેઓ 100 વર્ષના છે અને તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ આની નિંદા કરે છે.
#WATCH | Gopal Italia (AAP Gujarat chief) made casteist remarks that Gujarat and the country will not tolerate. He commented about PM Modi's mother. Congress condemns it: Chhattisgarh CM Bhupesh Baghel pic.twitter.com/s2Ux0U8Uqh
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 18, 2022
શું કહ્યુ હતુ ગોપાલ ઈટાલિયાએ
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના રાજ્ય કન્વીનર ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો હાલમાં વાયરલ થયો હતો. જેમાં તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ હતુ કે પીએમ મોદીની માતા હીરાબા પણ ડ્રામા કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ ભારતીય જનતા પાર્ટી(BJP) જોરદાર હુમલા કરી રહી છે.
સ્મૃતિ ઈરાનીએ કરી હતી નિંદા
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે AAP પ્રમુખના આ નિવેદનની નિંદા કરી હતી. તેમણે કહ્યુ, 'કેજરીવાલનું એક નવા સ્તરે પતન આશ્ચર્યજનક નથી. અરવિંદ કેજરીવાલના આશીર્વાદથી ગુજરાતના AAP પ્રમુખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 100 વર્ષીય માતા પર દુર્ભાવનાપૂર્ણ હુમલો કર્યો છે. કેજરીવાલ માટે આ આશ્ચર્યની વાત નથી. નરેન્દ્ર મોદીની માતાનો ગુનો માત્ર એટલો જ છે કે તેમણે નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો.'