
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઝઘડીયાથી કરશે 4 સબ સ્ટેશનોનુ લોકાર્પણ, 45 ગામોમાં વિજળી પુરી પાડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26મી જૂને રાજ્યના અમદાવાદ, ભરૂચ અને સાબરકાંઠા જિલ્લામાં બનેલા 66 કે.વી. ક્ષમતાના 4 વીજ સબસ્ટેશનના એક સાથે લોકાર્પણ ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી કરશે. ઉલ્લેખનિય છેકે રાજ્યમાં પાછલા 20 દિવસમાં 22 વીજ સબસ્ટેશનના લોકાર્પણ કરાયા છે.
આ સબસ્ટેશન કુલ રૂા. 32 કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે અને અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ભરૂચના ઝઘડીયા તથા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના 45 ગામોના કુલ 24 હજાર વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી પૂરી પાડશે.
મુખ્યમંત્રી 26મી જૂન-2022ના સવારે 9.30 વાગ્યે ભરૂચના ઝઘડીયાથી ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ સબસ્ટેશનના લોકાર્પણ સંપન્ન કરશે.
આ ઉપરાંત ભરૂચના વાલિયામાં 7.62 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનારા 66 કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન પણ ભૂપેન્દ્ર પટેલ કરશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામોમાં પણ ગુણવત્તા યુક્ત વીજ પૂરવઠો આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા સાથે પાછલા 20 દિવસમાં રાજ્યમાં નવા ૨૨ વીજ સબસ્ટેશનના લોકાર્પણ કરવામાં આવ્યા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, અમદાવાદ જિલ્લામાં હાલ 85, ભરૂચમાં 62 અને સાબરકાંઠામાં 59 વીજ સબસ્ટેશન કાર્યરત છે. આવનારા બે વર્ષોમાં આ ત્રણેય જિલ્લામાં કુલ મળીને 39 નવા સબસ્ટેશન નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.