મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઢડામાં કર્યું ઓક્સિજન પ્લાંટનું વરચ્યુઅલી લોકાર્પણ
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસો ઘટ્યા છે. બીજી લહેરમાં ઓક્સિજનની કમીનો સામનો કર્યો હતો. હવે સરકારે ત્રીજી લહેરને રોકવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂપિયા 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું.
આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે 80 ગામના લોકોને લાભ મળશે.મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ગઢડા ખાતે નવનિર્મિત પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરતા કહ્યું કે સામાન્ય દિવસોમાં મેડિકલ ઓક્સિજનની માંગ 100 મેટ્રિક ટનની આસપાસ રહેતી હોય છે. પરંતુ કોરોનાની બીજી લહેરના પીક સમયે મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ 1200 મેટ્રીક ટન સુધી પહોંચી હતી.
ગુજરાતે કોરોનાની સ્થિતિને સફળતા પૂર્વક નિયંત્રિત કરી દેશને એક મોડલ પૂરું પાડ્યું છે. રાજ્યમાં 8 લાખ લોકોને આપણે ઠીક કરીને ઘરે મોકલ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ 98 ટકા પહોંચી ગયો છે. હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યા છીએમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હવે આપણે કોરોનાની મહામારીથી બહાર નીકળી રહ્યાં છીએ. ગઈ કાલે 70 જેટલા કેસો આવ્યાં છે કે જે ભૂતકાળમાં 14 હજાર જેટલા થઈ ગયા હતાં. મુખ્યમંત્રીએ ગૌરવ સાથે કહ્યું કે દેશમાં ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ લોકડાઉન કર્યા વિના આપણે કોરોના પર નિયંત્રણ લાવી શક્યા છીએ.