CM ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે SGVP ખાતે પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારોહમાં હાજરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે SGVP દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, સંતશકિતના આશીર્વાદ, સંસ્કૃતિજતન તથા નવજાગરણ માટેના સંકલ્પથી ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

તેમણે કહ્યું કે, આજે ગુરુકુળ પરંપરાને કારણે વિદેશની ધરતી પર પણ આપણી સંસ્કૃતિ મજબૂતાઈપૂર્વક પ્રસ્થાપિત થઈ શકી છે, એ બહુ મોટી વાત છે.
આગામી દિવસોમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે, તે અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ અને આજે આ સમિટ વૈશ્વિક પ્લેટફોર્મ બની ચૂકી છે.
આજે ધોરડો યુએનના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના બેસ્ટ ટૂરિસ્ટ વિલેજની યાદીમાં પ્રસ્થાપિત થયું છે તેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો હતો.
દેશમાં અવિરત ચાલી રહેલાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આજે વિકસિત દેશોમાં જેનું ઉત્પાદન થાય છે, એનું નિર્માણ આપણા દેશમાં પણ થઈ રહ્યું છે. દેશનું ગૌરવ દુનિયાભરમાં વધ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર આજે નાનામાં નાના માણસનું પણ ધ્યાન રાખી રહી છે. ડિજિટલ ઇન્ડિયાનો લાભ નાના ધંધા-વ્યવસાયવાળા લોકોને મળી રહ્યો છે. 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત આજે કોઈ એક રાજ્ય નહિ, સમગ્ર દેશનો વિકાસ થાય એવી કામગીરી થઈ રહી છે.
મુખ્યમંત્રીએ કર્મના સિદ્ધાંત અને આધ્યાત્મિક પ્રભાવનું દૃષ્ટાંત વાલ્મિકી ઋષિના પૂર્વાશ્રમની વાત ટાંકીને આપ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થાય. સંતોના આશીર્વાદથી સૌ કોઈ આ સંકલ્પને સાકાર કરવા સહભાગી થશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સુવિકસિત ભારત માટે આહવાન કર્યું હતું. સ્વામી બાલકૃષ્ણદાસજીએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રી સહિત દેશભરમાંથી પધારેલા અગ્રણી સાધુસંતોએ આવકાર્યા હતા.












Click it and Unblock the Notifications
