CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, વિકાસ કાર્યો ઝડપી ગતિએ કરવા સૂચના આપી!
રાજ્યમાં ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. જેના ભાગ રૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાની બે વિધાનસભા બેઠકોને આવરી લેતા કલોલ અધિકારીઓ અને ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરીને પ્રજા લક્ષી કામ કાજ ઝડપી ગતિએ કરવા સૂચના આપી હતી.
ભાજપની ચિંતન બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા પણ રાજ્ય સરકારના બાકી કામોને ઝડપી પુરા કરવા સૂચના આપવામાં આવી હતી અને સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓને સક્રિય થવા માટે કહ્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે બપોરે ગાંધીનગર જિલ્લાના માણસા ગામે પહોચ્યા હતા અને ત્યાં પણ તેમણે આવી સમીક્ષા બેઠક ગાંધીનગર જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજી હતી.
માણસા નગરપાલિકા વિસ્તારના નવ તળાવનું આંતરિક જોડાણ કરવાનો પ્રાથમિક અહેવાલ સત્વરે રજૂ કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કલોલ-માણસા હાઇવેના કામ અંગેની સંબંધિત અધિકારીઓ પાસેથી વિગત મેળવી હતી તેમજ આ કામને ઝડપભેર પૂર્ણ કરવા માટેની પણ સૂચનાઓ આપી હતી. તેમણે બાલવા-માણસા વચ્ચેના માર્ગના નવિનીકરણની દરખાસ્ત રજૂ કરવા પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ માણસા નગરપાલિકા વિસ્તારના વિકાસ કામો માટે રીંગ રોડ બનાવવાની ચર્ચામાં ટાઉન પ્લાનિંગ સ્કીમના તાત્કાલિક અમલીકરણ કરવાની સૂચના આપી હતી. તેમજ કલોલમાં આવેલા અંડરપાસને પહોળો કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કલોલ નગરપાલિકા વિસ્તારના સ્થાનિક રહીશોની માંગણીને ધ્યાને લઇ ઘનકચરાના નિકાલ માટે સૂચન કર્યુ હતું. તેમજ આ માટે લેન્ડ ફિલ સાઈટની થયેલી દરખાસ્તને તાત્કાલિક મંજૂરી મળી જાય તેવું સુચારું આયોજન કરવા પણ સૂચન કર્યુ હતું.
ભૂપેન્દ્ર પટેલે ટીમ ગાંધીનગર સાથેની આ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લામાં જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુમેળભર્યા સંકલનના કારણે વિકાસના કામોની ગતિ વધુ તેજ બની રહી છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર જિલ્લાના વીજળી, પાણી, કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપી નિવારણ માટે મુખ્યમંત્રીએ જિલ્લા અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.