ગડકરીની મુશ્કેલીમાં વધારોઃ જામનગરમાં ફરિયાદ દાખલ
તાજેતરમાં એક કાર્યક્રમમાં બૌધિક ક્ષમતા અંગે ઉદાહરણ આપવા ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદ અને દાઉદના આઇક્યુ લેવલની તુલના કરી હતી અને કહ્યું હતું કે બન્નેનો આઇક્યુ એક સમાન છે, એકે તેનો ઉપયોગ સામાજિક કાર્ય માટે કર્યો તો બીજાએ ગુનાહિત કૃત્ય આચરવા માટે તેનો ઉપયોગ કર્યો. તેમની આ ટિપ્પણીનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસે આ અંગે નિતિન ગડકરી દ્વારા માફી માંગવામાં આવે તેવી માગ કરી છે તો બીજી તરફ ભાજપમાં પણ તેમનો વિરોધ થઇ રહ્યો છે અને તેમનું અઘ્યક્ષ પદ મુશ્કેલીમાં મુકાઇ ગયું છે.
આ બધાની વચ્ચે મંગળવારે જામનગરમાં પ્રેક્ટિસ કરી રહેલા બે વકીલોએ સ્વામી વિવેકાનંદ અને દાઉદના આઇક્યુ લેવલની તુલના કરવા બદલ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કહ્યું છે કે, તેમણે આ પ્રકારનું નિવેદન કરીને સ્વામી વિવેકાનંદનું અપમાન કર્યું છે, સ્વામી વિવેકાનંદ સમગ્ર દેશના રોલ મોડલ છે. વકીલોએ આ પ્રકારની દલીલ કરી કોર્ટની દાદ માંગી છે.