
SBI ની ભરતીમાં કૌભાંડના કોંગ્રેસનો આક્ષેપ તટસ્થ તપાસની કરી માંગ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વર્ગ-૩ માટે ભરતીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી ગેરરીતિ આચર્યા અંગેના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જુનિયર એસોસીએટની ૬૬૦ જગ્યા માટે ૨૦૨૧ના મે મહિનામાં ઓનલાઈન અરજી મંગાવેલ હતી ત્યારબાદ જુલાઈ ૨૦૨૧માં પરીક્ષા યોજાઈ. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર યુવાનોને ત્યારેજ નોકરી આપી શકાય કે જ્યારે લેંગવેજ પ્રોફીશીયન્સીમાં એટલે કે, સ્થાનિક ભાષામાં વાચી શકે, લખી શકે, સમજી શકે અને બોલી શકે. તેમને જ નિમણુંક આપી શકાય. આવા સ્પષ્ટ નિયમ છતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ તમામ નિયમ નેવે મુકીને ૭૦ ટકા થી વધુ ઉમેદવારો કે જેમને ગુજરાતી ભાષા લખતા, વાચતા કે બોલતા કે સમજતા આવડતી નથી. તેમને નિમણુંક આપી દીધી છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે, બેંકમાં ગુજરાતી ભાષા ન જાણનારને ભરતીમાં સમાવેશ કરીને મોટા પાયે ગેરરીતિ આચરીને નિમણુંક આપવામાં આવી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિતની બેંકોમાં સ્થાનિક ભાષાનો એટલે કે ગુજરાતી ભાષાની નિયમ પાછળનો હેતુ એ છે કે, બેંકના ગ્રાહકો સાથે સરળતાથી વાત કરી શકે જેથી બેંકના ગ્રાહકોને બેંકની સેવા વિશે સરળતાથી સમજ આપી શકે અને બેંકના ગ્રાહકોને વધુ સારીરીતે ન્યાય આપી શકે. સ્થાનિક ભાષા ન જાણતા હોવાથી બેંકના બિઝનેશ, ગ્રાહકો સાથેના વ્યવહારમાં મોટા પાયે અસર થાય છે. ગુજરાતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની જુનિયર એસોસીએટસની ૬૬૦ જગ્યામાંથી ૫૦૦ થી વધુ જગ્યાઓ પર સ્થાનિક ભાષા ગુજરાતી ન વાંચી શકનાર, ન લખી શકનાર, ન સમજી શકનારને નિમણુંક આપીને ગેરરીતિ આચરવામાં આવી. દરેક રાજ્યમાં વર્ગ-૩ ની ભરતી માટે પ્રાદેશીક ભાષાના કર્મચારી રાખવા ફરજિયાત નિયમ અને એસ.બી.આઈ.ની જાહેરાતમાં સ્પષ્ટ ઊલ્લેખ છતાં ભરતીમાં સદંતર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. લેંગવેજ પ્રોફીશીયન્સી ફરજિયાત, પણ, ગુજરાતમાં ગુજરાતી ભાષાનો છેદ ઊડાવી ને ગુજરાતી ભાષાના બે અક્ષર પણ ન લખી શકનાર - બોલી શકનાર - સમજી શકનાર ૭૦ ટકા ઉમેદવારોને એસ.બી.આઈ.માં ભરતી કરવામાં આવી છે. એસ.બી.આઈ. સહિતની બેંકોમાં કરોડો રૂપિયાના નાણાંકીય ગોટાળા - ગેરરીતિના અનેક કૌભાંડો અવારનવાર સામે આવે છે હવે બેકીંગ ભરતીમાં પણ મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. બેકીંગ યુનિયનના પૂર્વ પદાધિકારીઓએ પણ સમગ્ર ગેરરીતિ અંગે ફરિયાદ કરી છતાં કોઈ જ પરિણામ નહિ.
તાજેતરમાં એસ.બી.આઈ.ની ભરતીમાં ગુજરાતમાં કરાયેલ ૬૬૦ ઉમેદવારમાંથી ૭૦ ટકા ઉમેદવારો ગુજરાતી ભાષાથી સંપૂર્ણ અજાણ છે ત્યારે કેવી રીતે સ્થાનિક ગુજરાતના બેંકના ગ્રાહકોને ન્યાય મળશે તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વાંધો એ વાતનો નથી કે કુલ ઉમેદવારોમાં ૭૦ ટકા ઉમેદવારો અન્ય રાજ્યના છે પરંતુ દુઃખ એ વાતનો છે કે, તેમને ગુજરાતી લખતા - વાચતા - બોલતા આવડતુ નથી. તો કેવી રીતે બેંકના નાણાંકીય વ્યવહારો સરળતાથી ગુજરાતના ગ્રાહકોને ઉપલબ્ધ થશે. એસ.બી.આઈ. ભરતીમાં મોટા પાયે ગેરરીતિ અને કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.