
વડગામમાં પાણી આપવા એક દિવસનું વિશેષ સત્ર બોલાવોઃ કોંગ્રેસ
બનાસકાંઠા જિલ્લાના વડગામ વિસ્તારમાં પાણીના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે આંદોલન કરવાની ચીમકી આપી છે. કોંગ્રેસના નેતા જિગનેશ મેવાણીએ વડગામની જનતાને પાણી આપવામાં નહીં આવે તો જળ આંદોલન કરવાની ચીમકી આપી છે. આ અંગે, ધારાસભ્ય જિગનેશ મેવાણીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના નીતિ આયોગ રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૪૦માં ગુજરાતમાં પીવાના પાણીનો ગંભીર સમસ્યા થશે. ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભજળ ખૂટી ગયું છે. વડગામમાં આવેલ કરમાવત તળાવમાં પાણી ભરવા માટે અનેક આંદોલન કરવામાં આવ્યા, વિધાનસભાના પટલ પર અને મુખ્યમંત્રીથી સચિવ સુધી દરેક જગ્યાએ વારંવાર રજૂઆત કરી તેમ છતાં ભાજપ સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
વડગામની ૫૦ હજારથી વધુ બહેનોએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખીને પાણીની માંગ કરી છે. ભાજપ સરકારને આજે અલ્ટિમેટમ આપવામાં આવશે અને જો વડગામ સહિત બનાસકાંઠાના વિસ્તારને પાણી આપવામાં નહીં આવે તો સ્થાનિક આગેવાનો, સામાજિક અગ્રણીઓ, બનાસકાંઠાનાં તમામ ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો રસ્તા ઉપર ઉતરી ઉગ્ર રજુઆત સાથે જળ આંદોલન કરશે. બનાસકાંઠામાં સંપૂર્ણ પણે ભૂગર્ભજળ ઉલેચાઈ ગયા છે. ૧૫૦૦ થી ૨૦૦૦ ફુટ સુધી ઉંડા તળ ઉતરી ગયા છે. વારંવારની સ્થાનિક નાગરિકોની રજુઆત છતાં સરકારના પેટનું પાણી હલતુ નથી.
ભાજપના અધ્યક્ષ પાટીલ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતુ કે, જળસંકટ મુદ્દે ગુજરાત સરકારનાં પાણી પુરવઠા મંત્રી, વિભાગનાં સચિવ કે સંબંધિત વિભાગનાં અધિકારીએ જવાબ આપવાની જગ્યાએ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ આ મુદ્દે નિવેદન આપી રહ્યા છે ત્યારે જનતા જાણવા માંગે છે કે, સી. આર. પાટિલ રાજ્યના મંત્રી છે કે ધારાસભ્ય ?સુજલામ સુફલામમાં થયેલા કૌભાંડ પર પણ મેવાણીએ જણાવ્યુ હતુ કે, સુજલામ સુફલામના જળસંચયના નામે કરોડો રૂપિયાની માટી સગેવગે કરવાનું સુનિયોજીત કૌભાંડ ભાજપ સરકારમાં ચાલી રહ્યું છે. ૧૦,૦૦૦ કરોડના સફેદ પાણીનો કાળો કારોબાર ભાજપના મળતિયાઓ કરી રહ્યાં છે. મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપની ઓળખ બની છે.
ગુજરાતનાં જુદા જુદા વિસ્તારમાં ચાલી રહેલા જળસંકટ અને વડગામમાં નર્મદા નહેરને આગળ વધારી કરમાવત તળાવમાં પાણી આપવા માટે યોજના અમલમાં લાવવા વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવાની પણ માંગ કરી હતી.