
ગુજરાત કોગ્રેસ પ્રમુખ-નેતા વિપક્ષ માટે આ નામ ફાઈનલ!
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત કોંગ્રેસના નવા પ્રમુખને લઈને અટકળો ચાલી રહી છે. પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિધાનસભા નેતા વિપક્ષ પદેથી પરેશ ધાનાણીની હટવાની જાહેરાત નવા નામોની સતત અટકળો ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસના સુત્રો પાસેથી મોટા સમાચાર મળી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર હવે નવા નામ લગભગ નક્કી છે અને તેની માત્ર જાહેરાત બાકી છે.
ગુજરાત કોંગ્રસના પ્રમુખ અને વિધાનસભા નેતા વિપક્ષના નવા નેતાની જાહેરાત ટુંક સમયમાં થઈ શકે છે. આ માટે સુત્રો હાલ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષ તરીકે આદીવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જણાવી રહ્યા છે. જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને ઠાકોર સમાજના અગ્રણી નેતા અને પ્રભાવશાળી નામ છે. તો સુખરામ રાઠવા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.
કોંગ્રેસમાં મોટા જુથવાદને પગલે આ મુદ્દો લાંબા સમય સુધી વણઉકેલાયેલો રહ્યો હતો. કોંગ્રેસના જુના જોગીઓની દાવેદારી અને લોબિંગને પગલે આ હોદ્દાઓ ઉપર નિમણૂક સતત ટળતી આવી હતી. જો કે તે બાદ પ્રભારી રધુ શર્મા અને રાહુલ ગાંધી સુધી લાંબી બેઠકો બાદ હવે આ મામલો ઉકેલાતો જોવા મળી રહ્યો છે. સુત્રોનું સાચુ માનીએ તો હવે ટુંક સમયમાં કોંગ્રેસના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત થઈ શકે છે.
અહીં ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ પ્રમુખ બનવા માટે અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ જેવા નેતાઓ વચ્ચે મોટી ખેંચતાણ હતી. જેને લઈને ગુજરાત કોંગ્રેસના નવા માળખાનો મુદ્દો પણ વણઉકેલાયો પડ્યો છે.