
કોંગ્રેસ અગ્નિપથ યોજનાના વિરોધમાં રાજ્યવ્યાપી ધરણાં કરશે!
અગ્નિપથ યોજના બાબતે કોંગ્રેસના નેતા અલકા લાંબાએ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની આ યોજનાને યુવાનો સાથે ક્રૂર મજાક સમાન અને વિશ્વાસઘાતપૂર્ણ પગલું ગણવ્યું હતું. જેના વિરોધમાં ગુજરાતમાં અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે ૧૮૨ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ધરણા - વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અલકા લાંબાએ અમદાવાદ ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે. કેન્દ્ર ની સરકારે વિચાર્યા વિના અડધી રાત્રે તઘલખી ફરમાન જાહેર કર્યા, જેનો ભોગ દેશની જનતા બની રહી છે, કૃષી કાયદા, નોટબંધી, જીએસટી, લોકડાઉન અને જમીન અધિગ્રહણ જેવા ફરમાનનો ભોગ જનતા બની, હવે સરકાર અગ્નિપથ યોજના દેશના યુવાનો પર થોપી રહી છે. સરકાર હવે અગ્નિપથ યોજનાના નામે ભરતી ને હંગામી બનાવી કોન્ટ્રાકટ પર લઇ જઇ રહી છે. ભારતીય સેનામાં ૨ લાખ ૫૫ હજાર પદ માટે પરીક્ષા અને ફીઝીકલ ટેસ્ટ થઇ ગયા છે. જે ભરતીના સ્થાને હવે અગ્નિપથ ના આધારે સરકાર ભરતી કરવા જઇ રહી છે, ત્યારે, કોંગ્રેસ પક્ષ કોન્ટ્રાક્ટ ના આધારે સેનામાં ભરતીનો વિરોધ કરે છે તાત્કાલીક કાયમી ભરતી કરવા માંગ કરે છે.
અલકા લાંબાએ ભાજપ પર નિશાન સાધતાં જણાવ્યું હતુ કે, ભાજપના કેટલાક નેતાઓએ વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાનોને જેહાદી, આતંકવાદી અને અરાજકતા વાદી કહ્યા, સેનામાં ભરતી થવા ઇચ્છતા યુવાનો માટે આ અપમાન છે.
ગુજરાતમાં ભાવનગર, જામનગર સહિત અને દેશના વીસ રાજ્યોમાં મોટા પાયે અગ્નિપથ યોજના સામે વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે દેશના તમામ વિધાનસભા ક્ષેત્રમાં અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરશે. પોલીસ તંત્ર મંજુરી આપતું નથી. ૧૪૪ની કલમનો હથીયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તેમ છતાં રાષ્ટ્રીય સુરક્ષા, દેશ હિત અને યુવાનોના હિતમાં કોંગ્રેસ પક્ષ લડત આપતો રહેશે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે, ગુજરાતના યુવાનો સેનામાં ભરતી માટે ફિટનેસ નથી હોતા, જેના માટે સરકાર જવાબદાર છે. ગુજરાતના યુવાનોને કુપોષિત આ ભાજપ સરકાર કરી રહી છે, ભાજપના નેતાઓ પાછળ કરોડો રૂપિયાના તાયફા ના બદલે સેના પર ખર્ચ કર્યા હોત તો આજે દેશની સરહદો સુરક્ષિત હોત. સેનાની ભરતીમાં ખેડૂત, મજૂર અને ગરીબોના દીકરાઓ જાય છે, આવા યુવાનોની દેશ દાઝ ભાજપ સરકાર છીનવી રહી છે, ગુજરાતની ૧૮૨ વિધાનસભામાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરાશે. દેશના બેરોજગાર અને સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનો સામે ક્રૂર અને ઘાતક મજાકરૂપે “અગ્નિપથ” નામની યોજના યુવાનો માટે હકીકતમાં તો બરબાદીના પથ જેવી યોજના છે. દેશની રક્ષા કરવા માટે જાત ન્યોછાવર કરવા તૈયાર આપણા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા “અગ્નિપથ” યોજનાનો વિરોધ કરવામાં આવશે.