
રાજ્યમાં કોરોના વિસ્ફોટની સ્થિતી, છ મહિના બાદ 200થી વધુ કેસ નોંધાયા!
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વિસ્ફોટની શરૂઆત થઈ ગઈ છે. લાંબા વિરામ બાદ હવે ફરી એક વખત કોરોના વાયરસ માથુ ઉચકી રહ્યો છે. કોરોના વાયરસની ગુજરાતની સ્થિતી એ છે કે રોજ રોજ કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં સાડા છ મહિના બાદ કોરોના વાયરસના 204 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત થયુ છે.
હાલ રાજ્યમાં કોરોના વાયરસથી હાહાકારની સ્થિતી છે. રાજ્યમાં લાંબા સમય બાદ કોરોના કેસની બેવડી સદી ફટકારી છે. રાજ્યના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 98 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 33 કેસ, સુરતમાં 22 અને વડોદરામાં 16 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયુ છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસમાં કુલ કેસનો આંકડો 8,29,073 પર પહોંચ્યો છે.
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 65 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને હાલ રાજ્યમાં કુલ 186 લોકો સારવાર હેઠળ છે. સાજા થયેલા દર્દીઓની વાત કરવામાં આવે તો રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,363 છે.
રાજ્યમાં ઓમિક્રોનની સ્થિતીની વાત કરવામાં આવે તો રાજ્યમાં ઓમિક્રોનનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 24 કેસ નોંધાયા છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ કેસમાંથી 9 કેસ આંતરરાષ્ટ્રિય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને 4 કેસ સ્થાનિક છે.
ઓમિક્રોન કેસની વાત કરવામાં આવે તો અમદાવાદના 9 કેસ સિવાય ગાંધીનગરમાં 4, રાજકોટમાં 3 અને અમરેલી, આણંદ, ભરૂચ વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હવે સરકાર પણ સખત થઈ રહી છે અને વિવિધ નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. જેને પગલે રાજ્યમાં નાઈટ કર્ફ્યુમાં સમય વધારવામાં આવ્યો છે. તે ઉપરાંત માસ્કને લઈને પણ સખ્તાઈથી પગલા ભરવામાં આવી રહ્યા છે.