ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, 7 મહિના બાદ નવા કેસનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો!
અમદાવાદ : દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન સાથે દિવસે દિવસે કોરોના બેકાબુ બની રહ્યો છે. હાલ હાલત એ છે કે રોજ રોજ નવા કેસ ડબલ થઈ રહ્યાં છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસ જે ઝડપે વધી રહ્યાં છે તેને જોતા ગમે તે સમયે કડક નિયંત્રણો લગાવવામાં આવી શકે છે. આજે ગુજરાતમાં 7 મહિના બાદ કોરોના કેસનો આંકડો એક હજારને પાર પહોંચ્યો છે.
ગુજરાતના આંકડાની વાત કરીએ તો આજે ગુજરાતમાં કોરોના વાયરસના 1069 નવા કેસ નોંધાયા છે અને નવસારીમાં એક વ્યક્તિનું મોત થયુ છે. ઓમિક્રોનની વાત કરીએ તો આ વેરિઅન્ટના 23 નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં છેલ્લે 4 જૂને 1120 કેસ નોધાયા હતા.
વિગતે આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં સૌથી વધુ 559 કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 164, રાજકોટમાં 61, ગાંધીનગરમાં 26, જામનગરમાં 7, ભાવનગરમાં 4 અને જુનાગઢમાં 7 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આણંદમાં 39, ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, નવસારીમાં 9, મોરબીમાં 8, ભરૂચમાં 7, દાહોદમાં 6, સાબરકાંઠામાં 6, અમરેલીમાં 4, ગીર સોમનાથમાં 3, જૂનાગઢમાં 3, મહેસાણામાં 3, મહીસાગરમાં 2, તાપીમાં 2, અરવલ્લીમાં 1, બનાસકાંઠા 1 અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. મહત્વની વાત એ છે કે અમદાવાદમાં 25 મેં બાદ 500 થી વધુ કેસ નોંધાયા છે.
કુલ કેસની વાત કરીએ તો, રાજ્યમાં કુલ 8 લાખ 32 હજાર 801 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 10119 લોકોના મોત થયા છે. બીજી તરફ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 755 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 3927 એક્ટિવ કેસ છે, આમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે.