લહેરથી સૂનામીમાં ફેરવાતો કોરોના, 1 દિવસના સૌથી વધુ કેસ નોંધાયા, 10નાં મોત!
અમદાવાદ : કોરોના વાયરસની ત્રીજી લહેર દિવસે દિવસે ઘાતક બની રહી છે. વિશ્વભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ભારત અને ગુજરાતમાં પણ આંકડો ડરાવનારો બની રહ્યો છે. ઉતરાયણના તહેવારને લઈને ધીમી દેખાતી કોરોનાની રફ્તારના હવે જે આંકડા સામે આવ્યા છે તે સરકાર અને લોકો બન્નેને ચેતવવા માટે પુરતા છે. ગુજરાતમાં અત્યારસુધીના એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે.

લહેરમાંથી સૂનામી બનતો કોરોના વાયરસ
ગુજરાતના છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો, રાજ્યમાં આજે 17119 નવા કોરોના કેસ નોંધાયા છે અને ત્રીજી લહેરમાં અત્યારસુધીના સૌથી વધુ 10 લોકોના મોત થયા છે. આ તમામ બાબતો વચ્ચે સૌથી મોટી વાત એ છે કે 6 મહિના બાદ કેસનો આંકડો 12 હજાર પાર થયો છે. આ પહેલા છેલ્લે 7 મેંના રોજ 12064 કેસ નોંધાયા હતા.

ત્રીજી લહેરમાં પહેલી વખત 10 મોત
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારા સાથે સાથે ત્રીજી લહેરમાં 10 લોકોના મોત થયા છે. મોતની વિગતે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 એક વ્યક્તિનું મોત થયુ છે.

એક્ટિવ કેસ ચિતા વધારી રહ્યાં છે
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 79600 એક્ટિલ કેસ છે અને 113 લોકો વેન્ટિલેટર પર છે. કુલ કેસની વાત કરીએ તો અત્યારસુધીમાં રાજ્યમાં 9,38,993 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે.

કોરોનાએ રેકોર્ડ તોડ્યો
આજે રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસ કોરોનાની શરૂઆતથી લઈને અત્યારસુધીના એક દિવસના સૌથી વધુ કેસ છે. આ પહેલા બીજી લહેરની પીક પર એક દિવસમાં સૌથી વધુ 14605 કેસ નોંધાયા હતા. સૌથી મોટી વાત એ છે કે હાલ ત્રીજી લહેરની શરૂઆતમાં જ કોરોનાના કેસ 17 હજારને પાર પહોંચી ગયા છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ
સૌથી વધુ કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5998, સુરતમાં 3563, વડોદરામાં 1539 અને રાજકોટ શહેરમાં 1336 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 24 કલાકમાં 7883 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે.