‘મહા' વાવાઝોડાની ગતિમાં થયો ઘટાડો, 7મીએ 80 કિમીની ઝડપે પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે
ગુજરાતના સૌરાષ્ટ્ર પર જેનો ખતરો મંડરાઈ રહ્યો છે તે અરબી સમુદ્રમાં સર્જાયેલ 'મહા' વાવાઝોડુ 220 કિમીની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. જો કે તીવ્રતા ધીમે ધીમે ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આ વાવાઝોડુ વેરાવળથી 680 કિલોમીટર, દીવથી 730 કિલોમીટર અને પોરબંદરથી 650 કિલોમીટરના અંતરે અરબી સમુદ્રમાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 7મી નવેમ્બરે સવારે આ 'મહા' વાવાઝોડુ કલાકના 80 કિલોમીટરની ઝડપે દીવ-પોરબંદર વચ્ચે ટકરાશે. 'મહા' વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકિનારાના ભરૂચ, સુરત, અમેરલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદ જિલ્લામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
'મહા' વાવાઝોડાની અસરને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. સમગ્ર તંત્ર સંભવિત 'મહા' અસરને પહોંચી વળવા માટે સજ્જ છે. રાજ્યમાં એનડીઆરઆફને 15 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. દરિયામાં ગયેલી 12 હજાર બોટ પાછી બોલાવી લેવામાં આવી છે.
આ પણ વાંચોઃ સોનિયા ગાંધીએ શિવસેનાને સમર્થન આપવાની અટકળો ફગાવીઃ મીડિયા રિપોર્ટ્સ