પ્રજાસત્તાક પર્વમાં નવી દિલ્હી ખાતે ડાંગી કલાકારો લોકનૃત્ય પ્રસ્તુત કરશે
ગાંધીનગર 31 ડિસેમ્બર: નવુ વર્ષ આવી રહ્યું છે તેની સાથે સાથે પ્રજાસત્તાક દિવસ પણ આવી રહ્યો છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વખતે ખાસ બની રહેવાની છે કારણ કે પહેલી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા આ દિવસે દિલ્હી ખાતે હાજરી આપવાના છે. જેના કારણે પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ તેજ બની ગઇ છે. એવામાં ગુજરાતના ડાંગી કલાકારો ઓબામાની સમક્ષ પોતાનું લોકનૃત્ય રજૂ કરશે.
આગામી પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રકક્ષાએ નવી દિલ્હીમાં જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં લોક કલા - આદિવાસી સંસ્કૃતિ પ્રસ્તુત કરવા પસંદ થયેલા ૭૦ ઉપરાંત ડાંગી કલાકારોએ મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લઇ તેમની શુભેચ્છાઓ મેળવી હતી.
અત્રે નોંધનીય છે કે આ ડાંગી કલાકારો આગામી પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સમક્ષ પોતાના લોકનૃત્યને રજૂ કરશે. કાર્યક્રમ પહેલા આ કલાકારોએ મુખ્યમંત્રી આનંદીબેનની શુભેચ્છા મુલાકાત લીધી હતી.