ડીસામાં ઝેરી બીજ ખાઈ જતાં બાળકોની હાલત ગંભીર
બનાસકાંઠના ડીસા શહેરમાં આવેલી તેરમીનાળા વિસ્તારમાં બાળકોએ વનસ્પતિના ઝેરી બીજ ખાઈ લેતા તેમની હાલત ગંભીર બની ગઈ હતી. જો કે સારવાર બાદ બાળકોની હાલત સ્થિર થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ડીસાના તેરમીનાળા વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા, ત્યારે રમત-રમતમાં જ આ ઝેરી બીજ ખાઇ ગયા હતા. તેની અસર રૂપે ઉલટીઓ તથા ચક્કર આવવાની સાથે ત્રણેક બાળકો બેભાન પણ થઈ ગયા હતા. આ ઘટનામાં 7-9 જેટલા બાળકો બીમાર પડી ગયા હતા.
બાળકો બેભાન થતા તેમને તુરંત ઇમરજન્સી એમબ્યુલન્સ સેવા 108 દ્વારા ડીસા સિવિલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, પરંતુ બાળકોની હાલત ગંભીર હોવાને કારણે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં આ બાળકોની સારવાર ચાલી રહી છે અને તપાસ પણ ચાલી રહી છે કે તેઓ ક્યા બીજ ખાઈ ગયા હતા. એક માહિતી અનુસાર, આ માટે કૃષિ નિષ્ણાત અને યુનિવર્સિટીની પણ મદદ લેવામાં આવશે. જેથી બીજની ઘાતકતા અને સારવાર અંગે વધુ માર્ગદર્શન મળી રહે.