પાકિસ્તાનથી આવેલા તીડનો ખાત્મો, પરંતુ ઈંડાથી ખેડૂતો ચિંતિત
પાકિસ્તાનથી આવેલા તીડના ખાત્મા માટે કૃષિ વિભાગની ટીમોએ ઉત્તર ગુજરાતમાં દવાનો છંટકાવ કર્યો છે. ખાસ કરીને બનાસકાંઠાના વાવ અને સૂઈગામ તાલુકાના 400 હેક્ટર વિસ્તારમાં દવા છાંટવામાં આવી છે. અધિકારીઓનો દાવો છે કે તમામ તીડનો ખાત્મો થઈ ચૂક્યો છે. જો કે ખેડૂતો હજીય ચિંતિત છે, કારણ કે મોટી સંખ્યામાં તીડના ઈંડા બચી ગયા છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે એક તીડ 180 ઈંડા આપે છે. જો અહીં 10 હજાર તીડે ઈંડા આપ્યા હશે, તો પાક પર હજીય ખતરો મંડરાઈ રહ્યો છે.

ખેડૂતોને તીડથી મળી રાહત પણ..
બનાસકાંઠાના જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોને ડર છે કે જ્યારે ઈંડામાંથી તીડ બહાર નીકળશે તો ફરી પાક બરબાદ કરી દેશે. જો કે ખેડૂતોને હાલ તો તીડના ઝુંડથી રાહત મળી છે, કારણ કે આ મામલે સરકારે તાત્કાલિક પગલાં લીધા હતા. કેન્દ્રીય દળ અને જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓ તીડને નિયંત્રિત કવરા માટે વાવ અને સૂઈગામ તાલુકાના ગામમાં કામ કરી રહ્યા છે. આ ટીમે અતયાર સુધી 400 હેક્ટર વિસ્તારમાં કીટનાશકનો છંડકાવ કર્યો છે. આ કીટ નાશકના કારણે તીડ તો મરી ગયા છે, પરંતુ ઈંડા જેમના તેમ જ છે.

ખેડૂતોની બરબાદીનું પ્રતીક છે તીડ
રણમાં થતા તીડ આંતરરાષ્ટ્રીય જીવડા છે, જે ખેતીનું જૂનું દુશ્મન છે. તીડ દુનિયાના ઘણા દેશમાં જોવા મળે છે. તીડના ઝૂંડ 60 દેશોના ત્રણ કરોડ વર્ગ કિલોમીટર વિસ્તારને કવર કરે છે. રણમાં થતી તીડ ઓમાન, સાઉદી અરબ, ઈરાન, પાકિસ્તાન, અને ભારતના સરહદી રાજ્યો રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં આક્રમણ કરે છે. આ વિસ્તારોમાં એક સાથે 80 હજાર વર્ગ માઈલ વિસ્તારને કવર કરે છે.

1993માં દેખાયા હતા રણના તીડ
છેલ્લે ગુજરાતમાં 1993માં રણના તીડ દેખાયા હતા, ત્યારે કેડૂતોનો પાક બરબાદ થઈ ગયો હતો. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને પત્ર લખ્યો હતો, જેમાં તીડના હુમલા વિરુદ્ધ પગલાં લેવા માટે નિર્દેશ અપાયા હતા.

આ જિલ્લામાં બરબાદ થયો હતો પાક
કેન્દ્રના નિર્દેશમાં કચ્છ, જામનગર, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા જેવા જિલ્લા સામેલ હતા. કેન્દ્ર સરકારે રાજ્યના કૃષિ વિભાગને તાલીમ આપવા પણ સૂચના આપી હતી.

મેલાથિયોન 96 ટકા યુએલવીનો છંટકાવ
27 જૂને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ફરી રણના તીડ દેખાયા હતા. તે સમયે કૃષિ અધિકારીઓએ જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ફિલ્ડ કર્મચારીઓને તેના નિયંત્રણ રાખવા અંગે માહિતી આપી હતી. બાદમાં કેન્દ્રીય ટીમની સાથે ગુજરાતના કૃષિ વિભાગની ટીમો દ્વારા કીટનાશકનો છંટકાવ કરવામાં આવ્યો.

ખેડૂતો હજી ભયભીટ, ઈંડા નષ્ટ નથી થયા
દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ રણના તીડનો નાશ થઈ ચૂક્યો છે. જો કે બનાસકાંઠાના ખેડૂતો હજીય ભયભીત છે, કારણ કે રણની તીડ તો નાશ પામી છે, પરંતુ તેના ઈંડા નષ્ટ નથી થયા, જે ખેતરોમાં ફેલાયેલા છે.