અમદાવાદ-સુરતમાં કર્ફ્યુના લીધે 2 હજારથી વધુ લગ્ન મોકૂફ, કેટરિંગ-હોટલના બુકિંગ રદ
અમદાવાદઃ આજે દેવઉઠી અગિયારસ છે. આ વિશેષ દિવસે દેશભરમાં હિંદુ ધર્મમાં લગ્ન શરૂ થઈ ગયા છે. જો કે ગુજરાતના અમુક શહેરોમાં રાત્રિ કર્ફ્યુના કારણે લગ્નના આયોજન નથી થઈ રહ્યા. અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે નાઈટ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. એવામાં 2 હજારથી પણ વધુ લગ્ન મોકૂફ થયા છે. એટલુ જ નહિ લગ્નમાં માત્ર 100 લોકોને શામેલ થવાની મંજૂરીના કારણે કેટરિંગ અને હોટલના બુકિંગ મોટાપાયે રદ થઈ રહ્યા છે. એકલા અમદાવાદમાં જ કેટરિંગના 1500 અને હોટલના 1000 બુકિંગ રદ થયા છે. આ ઉપરાંત ફાર્મ હાઉસમાં યોજાતા લગ્નના કાર્યક્રમ પણ રદ થઈ ગયા છે.
આજે 25 નવેમ્બરથી શરૂ થયેલ દેવઉઠી અગિયારસના પ્રસંગથી લઈને 12 ડિસેમ્બર સુધી લગ્નના શુભ મૂહુર્ત બતાવવામાં આવ્યા છે. પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાગેલો છે અને લગભગ 7 ડિસેમ્બર સુધી કર્ફ્યુ રહેવાનુ નક્કી છે. આના કારણે લોકો બધા આયોજન રદ કરી રહ્યા છે. માહિતી મુજબ સુરતમાં પણ સેંકડો લગ્ન રદ કરી દેવાયા છે. સાઉથ ગુજરાત ઈવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ નિહાર ચાવલાએ જણાવ્યુ કે દિવાળી પહેલા એસોસિએશનની બેઠકમાં બુકિંગ 100 ટકા એડવાન્સમાં લેવાનુ નક્કી થયુ હતુ પરંતુ હવે સરકારે રાતે લગ્ન સમારંભ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આનાથી ઈવેન્ટ સાથે જોડાયેલ 25 હજારથી વધુ લોકો પર અસર થશે.
વળી, હોટલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ કહ્યુ કે લૉકડાઉન સાથે હોટલની સ્થિતિ બગડી હતી. પરંતુ હવે નાઈટ કર્ફ્યુથી વધુ અસર પડી રહી છે. નવી ગાઈડલાઈનના કારણે લોકો મહેમાનોને બોલાવવાનુ ટાળી રહ્યા છે. આના કારણે બુકિંગ પર અસર પડી રહી છે. અમારી સાથે જોડાયેલા કેટરિંગવાળાની સ્થિતિ પણ ખરાબ છે. શહેરમાં લગભગ 1000 બુકિંગ રદ થયા છે.
આજે નિંદ્રામાંથી જાગશે શ્રીહરિ વિષ્ણુ, શરૂ થશે માંગલિક કાર્ય