
મલાણા ગામની જળ સંચયની કામગીરીથી પ્રભાવિત થયા જિલ્લા કલેક્ટર
પાલનપુર તાલુકાના મલાણા ગામની મુલાકાત જિલ્લા કલેક્ટરે લઇ ગ્રામ લોકોના ખુબ જ ટૂંકા ગાળામાં જળ સંચય અભિયાનને વેગવંતુ બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. કલેકટરે ગ્રામજનો સાથે મીટીંગ કરીને વર્તમાન સમયમાં જળ સંચયનું મહત્વ અને એની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે, મલાણા તળાવ ભરવા માટે થોડાક મહિનાઓ અગાઉ થયેલ આંદોલનને યાદ કરતાં જણાવ્યું હતું કે, આટલું મોટું આંદોલન થયું છતા તેમાં ભાગ લેનાર તમામ લોકોએ કોઇપણ અવ્યવસ્થા ન થાય કે કોઇ નાગરિકને તકલીફ ન પડે એ રીતે માંગણી કરી હતી. જે આ ખેડુતોમાં રહેલ શિસ્ત અને સંસ્કારના દર્શન કરાવે છે અને હું તેને વંદન કરું છું. તેઓએ જણાવ્યું કે, વહીવટીતંત્ર દ્વારા જેવી જ આ બાબત મુખ્યમંત્રીના ધ્યાને મુકવામાં આવી ત્યારે તેઓએ ત્વરીત નિર્ણય લઇ સંવેદનશીલતા દાખવીને આસપાસના વિસ્તારના લોકોને સ્પર્શતા આ પ્રશ્નને ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
જિલ્લા વહીવટીતંત્ર સતત લોકોની તકલીફ દૂર કરવા માટે ચિંતિત રહે છે. જેમાં મલાણા ગામનો ખુબ સહકાર મળી રહ્યો છે. માત્ર પોતાના પ્રશ્નની રજૂઆત કરીને બેસી રહેવાને બદલે ગામના યુવાનોએ જળ સંચયની કામગીરી સ્વયંભૂ એક અભિયાન સ્વરૂપે ઉપાડી એ પ્રસંશનીય બાબત છે. પોતાના ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલવા જળ સંચયના કામો માટે દિવસ-રાત એક કરતા યુવાનો અભિનંદનને પાત્ર છે. આવનારા દિવસોમાં મલાણા ગામ સમગ્ર વિસ્તાર માટે જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
સૂક્ષ્મ સિંચાઇ પધ્ધતિમાં બનાસકાંઠા સમગ્ર દેશમાં અગ્રેસર છે ત્યારે આવનારા દિવસોમાં એગ્રી ફોરેસ્ટ્રી તથા ગ્રે-વોટર ટ્રીટમેન્ટ યુનિટ અંગે વિચારણા કરવા જણાવ્યું હતુ. થોડાક મહિના અગાઉ જળ આંદોલન કરનાર મલાણા ગામ જળ સંચય અભિયાન તરફ આગળ વધ્યું એ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
એ.પી.એમ.સી. પાલનપુરના ચેરમેન ફતાભાઇ ધારિયાએ પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા તાલુકામાં ખેત તલાવડી બનાવવા ઇચ્છતા ખેડુતોને ૫ હજાર રૂપિયા અને ટપક સિંચાઇ માટે ૫ ટકા સહાય પણ આપવા જણાવ્યું હતું.
કલેકટર આનંદ પટેલ તથા અધિકારીઓએ મલાણા તળાવ સાઇટની તથા ખેતરમાં રિચાર્જેબલ બોરવેલની મુલાકાત લીધી હતી.