For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન કોણે શું કહ્યું..!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લઘુમધ્યમ ઉદ્યોગોમાં રૂા. ૧ર,૮૮૬ કરોડના મૂડીરોકાણની અને ૩,૭૩,૦૦૦ જેટલી રોજગારીની નવી તકોની સંભાવના

ર૧૦૦ જેટલા ફોરેન ડેલીગેટ્સ સહિત કુલ પ૮,૦૦૦ ડેલીગેટ્સ સમિટમાં સામેલ

૧ર૧ દેશોએ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લીધો

ગાંધીનગર, 13 જાન્યુઆરી: ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર શાહુએ ૬ઠ્ઠી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન સમારોહમા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સંપૂર્ણ માર્ગદર્શન અને નેતૃત્વમાં આ સમિટે તેના તમામ લક્ષ્યાંકો સંપૂર્ણ સિદ્ધ કર્યા છે. આ સમિટ નાવિન્ય, જ્ઞાન, સાતત્યપૂર્ણ વિકાસ અને યુવા સશક્તિકરણ પર કેન્દ્રીત હતી અને એ દિશામાં નક્કર પ્રવૃત્તિઓ થઇ છે. તેમણે ગત ર૦૧૧માં યોજાયેલી સમિટ સાથે ર૦૧૩ની વર્તમાન સમિટની સરખામણી કરતાં જણાવ્યું હતું કે, સમિટ અંતર્ગત ર૦૧૧માં ૬૭ જેટલી આનુષંગિક ઇવેન્ટસ યોજાઇ હતી. જયારે ર૦૧૩માં સમિટની સાથે અલગઅલગ ૧ર૭ કાર્યક્રમો જોડવામાં આવ્યા હતા.

વર્ષ ર૦૧૧ની સમિટ વખતે જુદા જુદા કાર્યક્રમોમાં રપ૧ જેટલા તજજ્ઞો વિષય નિષ્ણાંતોના જ્ઞાનનો લાભ મળ્યો હતો. જયારે ર૦૧૩ની સમિટ દરમિયાન ૮૩૦ જેટલા તજજ્ઞો નિષ્ણાંતોના જ્ઞાનનો લાભ મળ્યો છે. ર૦૧૧માં સમિટ સાથે યોજાયેલા ટ્રેડ શો માં ૩૩૬ ઉત્પાદકો કંપનીઓએ ભાગ લીધો હતો અને ૭ લાખ લોકોએ આ ટ્રેડ શોની મુલાકાત લીધી હતી, ત્યારે આ વખતે ગાંધીનગરમાં યોજાયેલા સૌથી મોટા ટ્રેડ શોમાં ૧,૧૯પ ઉત્પાદકોકંપનીઓ ભાગ લઇ રહી છે અને આજ સુધીમાં ૧૬ લાખ લોકો આ ટ્રેડ શોની મુલાકાત લઇ ચુક્યા છે.

૬ઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ઔદ્યોગિક મૂડીરોકાણના પ્રયાસોને પ્રાધાન્ય આપવામાં આવ્યું ન હતું, આમ છતાં ઘણા ઉત્પાદકો મૂડી રોકાણકારોએ ગુજરાતમાં મૂડીરોકાણની તત્પરતા દેખાડી છે તેનો ઉલ્લેખ કરતાં મહેશ્વર શાહુએ જણાવ્યું હતું કે, સમિટ ર૦૧૧માં કુલ રૂા. ૮,૩૮૦ કરોડના મૂડીરોકાણ માટે ઉત્સુકતા હતી, જયારે સમિટર૦૧૩માં કુલ રૂા. ૧૭,૭૧૯ કરોડના મૂડીરોકાણ માટે ઉત્સુકતા પ્રદર્શિત કરવામાં આવી છે.

નાના અને મધ્યમ કદના ઉદ્યોગોમાં વર્ષ ર૦૧૧માં રૂા. ૪,૪૧૭ કરોડના મૂડીરોકાણની સંભાવના દર્શાવવામાં આવી હતી. જયારે આ વખતે ર૦૧૩માં નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના ક્ષેત્રમાં રૂા. ૧ર,૮૮૬ કરોડના મૂડીરોકાણની સંભાવના દર્શાવવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નાના અને મધ્યમ કદના ૮૦ થી ૮પ ટકા ઉદ્યોગોમાં તો આગામી બે વર્ષમાં ઉત્પાદન કે વ્યવસાયિક પ્રવૃત્તિઓ શરૂ થઇ જવાની સંભાવના પણ છે. આ ક્ષેત્રમાં વર્ષ ર૦૧૧માં ર,ર૮,૬૭૦ રોજગારીની સંભાવના ઉભી થઇ હતી. જયારે ર૦૧૩માં કુલ ૩,૭૩,૦૦૦ રોજગારીની તકોનું નિર્માણ થવાની સંભાવના છે.

મહેશ્વર શાહુએ બે દિવસની સમિટની ફલશ્રુતિ આપતાં જણાવ્યું હતું કે, નાવિન્ય, જ્ઞાન, વિકાસ અને યુવા સશક્તિકરણને વધુ ઉજાગર કરતાં ક્ષેત્રોમાં વર્ષ ર૦૧૧માં ૪૬૦ વ્યૂહાત્મક ભાગીદારી થઇ હતી, જયારે આ સમિટમાં ર,૬૭૦ જેટલી ભાગીદારી થઇ છે. ર૦૧૧ની સમિટમાં કુલ ૩૬,૪૦૦ ડેલીગેટ્સ અને ૧૪૦૦ જેટલા ફોરેન ડેલીગેટ્સ જોડાયા હતા. જયારે ર૦૧૩ની સમિટમાં પ૮,૦૦૦થી વધુ ડેલીગેટ્સ અને ર૧૦૦ જેટલા ફોરેન ડેલીગેટ્સે ભાગ લીધો હતો. મહેશ્વર શાહુના વક્તવ્ય દરમિયાન અઢી મિનિટની એક શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી, જેમાં બે દિવસ દરમિયાન મહાત્મા મંદિર પરિસરમાં યોજાયેલી પ્રભાવક પ્રવૃત્તિઓનો વિસ્તૃત ચિતાર ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો.

૬ઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટર૦૧૩ના આયોજનમાં કેનેડા અને જાપાન પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. જાપાન અને કેનેડા ઉપરાંત અન્ય દેશોમાંથી પધારેલા પ્રતિનિધિઓ અને ભારતના શિરમોર ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓએ પણ સમાપન સમારોહમાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા, જે આ પ્રમાણે છેઃ

narendra-modi-speech

શ્રીયુત મોટૂ મોરિમોટો, એમ. ડી. હિટાચી ગ્રૃપ

ગુજરાતી લોકોના પ્યાર અને સહયોગથી પ્રભાવિત થયેલા હિટાચી ગ્રૃપના ભારત ખાતેના એમ.ડી. શ્રીયુત મોટૂ મોરિમોટોએ ‘‘મે સબસે પહેલે નરેન્દ્ર મોદીજી કો સમિટ કી સફલતા કે લીયે હાર્દિક અભિનંદન દેના ચાહતા હું.'' એવું હિન્દી ભાષામાં કહ્યું ત્યારે તેમનેા ગુજરાત પ્રત્યેનો લગાવ સ્પષ્ટ થતો હતો. તેમણે જણાવ્યું હતું કે, હિટાચી ગ્રૃપની કડી ખાતેની કંપની ગત વર્ષે આગમાં લપેટાઇ ત્યારે લાગતું નહોતું કે બહું ઝડપથી પુનઃનિર્માણ થઇ શકશે. પરંતુ ગુજરાત સરકાર અને ગુજરાતી લોકોના સહયોગથી આ કંપનીનું પુનઃનિર્માણ કરાયું એટલું જ નહીં, પ્રોડકશન ચાલુ કરવા કંપની સજ્જ બની છે. આ ગુજરાતનો પ્રભાવ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

પંકજ પટેલ, ચેરમેન અને એમ.ડી. ઝાયડસ, કેડિલા

ગુજરાત સરકાર અને ગુજરાતી લોકોનો જુસ્સો જ એવો છે કે, પ્રત્યેક સમિટ વિકાસની નવી ક્ષિતિજો ઉઘાડી આપે છે, તેમ જણાવતાં ઝાયડસ કેડીલાના એમ. ડી. અને ચેરમેન પંકજ પટેલે વાઇબ્રન્ટ સમિટને વિકાસ માટેનું સક્ષમ પ્લેટફોર્મ ગણાવ્યું હતું. પંકજ પટેલે જણાવ્યું હતું કે, આ સમિટમાં નવા જ ક્ષેત્રે મીટ મંડાઇ છે. ખાસ કરીને શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી, નાવિન્યસંશોધનો જેવા નોલેજ શેરીંગ ક્ષેત્રો ફોકસ સેકટર બન્યા છે. આ અને આવા જુદા જુદા ક્ષેત્રો પર સવિશેષ ધ્યાન આપીને ગુજરાતે સર્વ સમાવેશક વિકાસને સાકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે સામાજિક, આર્થિક, કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર વગેરે અનેકવિધ ક્ષેત્રો સાથે વેપારધંધાને, સંશોધનોને, સરકારી પ્રણાલીને, યુવાનોને, મહિલાને તમામને જોડયા છે જેના કારણે રાજ્યનો સર્વાંગી વિકાસ ઉડીને આંખે વળગે છે.

ક્રેગ એ. રોજર્સન, અમેરિકાના પ્રતિનિધિ

અમેરિકાના પ્રતિનિધિ ક્રેગ એ. રોજર્સને ગુજરાતના વિકાસને જ નહીં, પરંતુ સામાજિક જવાબદેહિતાને પણ બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, નવ સંશોધનો વિકાસના ચાલકબળ બની રહે છે અને ગુજરાતે હરિત ટેકનોલોજી, સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા કૌશલ્ય નિર્માણ જેવા અનેકવિધ ક્ષેત્રે નવસંશોધનો દ્વારા જે વિકાસ કર્યો છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે, તેમ જણાવી તેમણે રતન ટાટાના વિધાનને સમર્થન આપ્યું હતું કે, ‘‘જો તમે ગુજરાતમાં રોકાણ નથી કરતા તો તમે મુર્ખ છો....''

સુધીર મહેતા, ચેરમેન, ટોરેન્ટ ગ્રૃપ

‘‘મને પણ ગુજરાતી હોવાનો ગર્વ છે.'' સમિટની સફળતા અને ગુજરાતના સર્વાંગી વિકાસને વર્ણવતાં ટોરેન્ટ ગ્રૃપના ચેરમેન સુધીરભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં ગુજરાતીપણાનો ગર્વ ગાયો હતો. સમિટના સમાપન પ્રસંગે મહેતાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટથી હું ઘણો પ્રભાવિત થયો છું. કારણ કે, અહીં આંકડામાં જ નહીં પરંતુ પ્રોજેકટની ગુણવત્તા અને વધુને વધુ વૈશ્વિક દેશોની ઉપસ્થિતિ ખરેખર ગુજરાત માટે ગૌરવની વાત છે, એટલું જ નહીં, દેશના અન્ય રાજ્યો માટે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત રોલમોડેલ બની ગયું છે.

ગુડ ગવર્નન્સ, વૈશ્વિક કક્ષાની આંતરમાળખાકીય સુવિધા, પાવર સરપ્લસ રાજ્ય, વિકાસની નવી દિશા ખોલી આપતા ધમધમતા ૪ર બંદરો એક માત્ર દહેજનું એલ.એન.જી. ટર્મિનલ અને રર૦૦ કિ.મી.ની ગેસ ગ્રીડ ઉપરાંત જમીન, પાણી અને ઊર્જા જેવી પાયાની સુવિધા અહીં ઉપલબ્ધ છે ત્યારે રાજકીય સ્થિરતા અને સીંગલ વિન્ડો કિલયરન્સ જેવી વ્યવસ્થાથી નિર્માણ થયેલ ઉદ્યોગ ફ્રેન્ડલી વાતાવરણ ગુજરાતની ઔદ્યોગિક સાહસિકતાને ગુણવત્તાપૂર્ણ બનાવે છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

શ્રીયુત પિસાન માનાવાપત, થાઇલેન્ડના રાજદૂત

‘‘ભારત અને થાઇલેન્ડનો નાતો વર્ષો પુરાણો છે, અમે થાઇલેન્ડ અને ગુજરાતનો સંબંધ મજબૂત બનાવીશું.'' તેમ જણાવતાં થાઇલેન્ડ દેશના ભારત ખાતેના રાજદૂત શ્રીયુત પિસાન માનાવાપતે ગુજરાતથી થાઇલેન્ડ સુધીની સીધી વિમાની સેવા તા. ૧ એપ્રિલથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. થાઇ એરવેઝ ઇન્ટરનેશનલ થાઇ સ્માઇલ દ્વારા આ સેવાની શરૂઆત થશે.

શ્રીયુત પિસાને જણાવ્યું હતું કે, પ્રવાસનને પ્રોત્સાહિત કરવા થાઇ સરકાર ગુજરાતમાં બનતા પ્રયાસો કરશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળની ગુજરાતની મુલાકાતથી એક વિશ્વાસનું નિર્માણ થયું છે એટલું જ નહીં, થાઇ કંપનીઓ ગુજરાતમાં મેન્યુફેકચરીંગ પ્લાન્ટ, બંદરીય વિકાસ સી ફૂડ જેવા ક્ષેત્રે રોકાણ કરવા ઉત્સુક થઇ છે. તેમણે ગુજરાતના પ્રભાવક આતિથ્ય સત્કારની અને આદરની ભાવનાની ખાસ નોંધ પણ લીધી હતી.

શૈલા બાપ્પો ગોસ્ક, નેશનલ સોશિયલ સિક્યોરિટી મંત્રી, મોરેશિયસ

મોરેશિયસના રાષ્ટ્રીય સામાજિક સલામતી મંત્રી શૈલા બાપ્પો ગોસ્કે સમિટના સમાપન પ્રસંગે બોલતાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીમાં હું પૂ. મહાત્મા ગાંધીજીનો દ્રષ્ટિકોણ અને ડહાપણ અનુભવું છું.

શ્રી નરેન્દ્ર મોદીએ પણ પૂ. ગાંધીજીની જેમ નાનામાં નાના માણસ માટે વિકાસનું મોડેલ બનાવ્યું છે. તેમણે મોરેશિયસના મુકત અર્થતંત્ર અને વૈશ્વિક સહયોગથી વ્યાપારની અનેક તકો ખુલી છે. તેમણે ગુજરાતીઓને મોરેશિયસમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું.

શ્રી સાયરસ મિસ્ત્રી, ચેરમેન, ટાટા સન્સ

ઔદ્યોગિક સાહસિકતાનો જુસ્સો અને વ્યાપાર કૌશલ્ય જેવા ગુજરાતના સંસ્કારને વિકાસનો મૂળાધાર ગણાવતાં ટાટા સન્સના ચેરમેન શ્રી સાયરસ મિસ્ત્રીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્વને કારણે થયેલા ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં ટાટા સન્સના યોગદાનને દોહરાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે ટાટા સન્સ ‘‘ગુણવત્તાલક્ષી જીવન''ના નિર્માણ માટે સહયોગી બનીને કૌશલ્ય વિકાસ માટે, પ્રાથમિક આરોગ્ય ક્ષેત્રે, બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્ર સાથે સાતત્યપૂર્ણ વિકાસ, પર્યાવરણરક્ષા જેવા અનેકવિધ ક્ષેત્રો સાથે કામ કરશે.

શ્રીયુત મિસ્ત્રીએ પ્રોએકટીવ અને સમતોલ નીતિઓના કારણે ગુજરાતમાં લાંબાગાળાનું મૂલ્યવાન રોકાણ શકય બન્યું છે, તેમ જણાવી તેમણે ટાટા સન્સ ગુજરાતમાં પોતાનું મૂડીરોકાણ અવિરત ચાલુ રાખશે, તેમ પણ કહ્યું હતું.

શ્રીયુત જેસન કેની, મંત્રી, કેનેડા

કેનેડાના મંત્રી શ્રી જેસન કેનીએ કેનેડાના ર૦૦ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે સમિટમાં હાજરી આપી હતી. સમાપન પ્રસંગે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં કેનેડીયન કંપનીઓ ગુજરાતમાં રૂા. ૬૯ મિલિયન અમેરિકન ડોલરનું મૂડીરોકાણ કરશે. કેનેડા અને ગુજરાતના વ્યાપારિક વ્યવસાયિક સંબંધો વધુ ગાઢ બનશે.

કેનેડાના પ્રધાન મંત્રી શ્રીયુત સ્ટીવન હાર્બરે પણ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવતો પત્ર લખ્યો છે.

કેનેડા સરપ્લસ પાવર ધરાવતો દેશ છે. એટલું જ નહીં, કેનેડા રફ ડાયમંડનું મોટું ઉત્પાદન કેન્દ્ર છે. આ બંને ક્ષમતાઓમાં વ્યાપારી ધોરણે જોડાવા તેમણે આહ્વાન આપ્યું હતું. ગુજરાતમાં કેનેડીયન ગવર્નમેન્ટની કચેરીની ક્ષમતા વધારવાની પણ જાહેરાત કરી હતી.

English summary
The sixth Vibrant Gujarat Global Summit witnessed a magnificent valedictory function with a plethora of Business Leaders and Statesmen in attendance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X