પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસાડ્યું ડ્રગ્સ, દુબઈમાં થઈ હતી ડિલ!
ગુજરાત ATSએ મોરબી જિલ્લામાંથી ડ્રગ્સ સામે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. પોલીસે માળિયા મિયાણીથી 120 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 600 કરોડ આંકવામાં આવી રહી છે. આ મામલાના તાર પાકિસ્તાનના ડ્રગ માફિયા ખાલિદ બખ્સ (Khalid Bakhsh) સાથે જોડાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે. પાકિસ્તાનથી ભારતમાં નશીલા પદાર્થો ઘૂસાડવામાં આવી રહ્યા છે. આ મામલે આજે (સોમવારે, 15 નવેમ્બર) 11 વાગ્યે DGP પ્રેસ કોન્ફ્રેન્સ કરશે.
માળિયા મિયાણીમાં ડ્રગ્સ મામલે થયેલી પોલીસ કાર્યવાહીમાં ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ડ્રગ્સ મામલે જે ખાલિદનું નામ સામે આવી રહ્યું છે તે સીધી રીતે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં છે. ભારત મોકલવામાં આવેલ નશીલી દવાના જથ્થાની ડિલ દુબઈમાં થઈ હતી. પાકિસ્તાન માફિયા ખાલિદે ભારતના બે તસ્કરો જબ્બાર અને ગુલામ સાથે દુબઈના સોમાલિયા કેન્ટીમાં મુલાકાત કરી હતી. પોલીસે આ બંનેની ધરપકડ કરી લીધી છે.
ખાસ વાત છે કે પાકિસ્તાની ડ્રગ માફિયા ખાલિદ અગાઉ પણ ભારતમાં નશાલા પદાર્થ ઘૂસાડવાની કોશિશ કરી ચૂક્યો છે. આ અઠવાડિયે જ પોલીસે દેવભૂમિ દ્વારકા અને સુરતમાં હેરોઈન સહિત નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. આ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ પણ થઈ હતી. પોલીસે આપેલી જાણકારી મુજબ દેવભૂમિ દ્વારકામાં વેંડર પાસેથી 17 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત 88.25 કરોડ રૂપિયા છે.