
મોરબીમા મોડી રાતે ધરા ધ્રૂજી, 3.3ની તીવ્રતાનો ભૂકંપ
મોરબીઃ મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. રાતે 11.34 વાગે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપનુ કેન્દ્રબિંદુ મોરબીથી 98 કિલોમીટર દૂર આમરણ નજીર બાલંભા પાસે નોંધવામાં આવ્યુ હતુ. જો કે, હળવો આંચકો અનુભવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ લોકો ડરના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ નવેમ્બર મહિનામાં કચ્છથી માંડીને મોરબી સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 4 નવેમ્બરના રોજ રાતે 9.30 વાગે મોરબીમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. વળી, દ્વારકામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કચ્છમાં ભારત-પાકિસ્તાન બૉર્ડર પર પણ નવેમ્બરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા અફડા-તફડી મચી ગઈ હતી. આ આંચકો બપોરે 3.15 વાગે આવ્યો હતો.