માલધારીઓ રસ્તા પર ઉતર્યા છે એ ઢોર નિયંત્રણ બિલ શું છે? બિલનો વિરોધ કેમ?
ગાંધીનગર : રાજ્યમાં રસ્તાઓ પર વધી રહેલી રખડતા પશુંઓની સંખ્યાને જોતા રાજ્ય સરકાર દ્રારા કાયદો બનાવવાની કવાયત ચાલી રહી છે. જેના માટે રાજ્ય સરકાર વિધાનસભામાં બિલ લઈને આવી છે. હવે આ બિલને કારણે રાજ્યના માલધારીઓ રસ્તા પર ઉતર્યા છે. માલધારીઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને આજે રાજ્યભરમાંં વિરોધ ચાલી રહ્યો છે. એવી તો શું જોગવાઈ છે કે માલધારીઓ સતત તેનો વિરોધ કરી રહ્યાં છે.

ઢોર નિયંત્રણ બિલ કેમ લવાયું?
વિધાનસભામાં શહેર વિકાસમંત્રી વિનોદ મોરડિયાએ આ બિલ રજુ કર્યુ હતું. બિલ રજુ કરતા તેમને માહિતી આપી હતી કે, શહેરી વિસ્તારોમાં ગાય, બળદ, ભેંસ સહિતના પ્રાણીઓ રસ્તા પર રખડતા રહે છે. તેનાથી રસ્તાઓ પર અને જાહેરસ્થળોએ ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે અને અકસ્માત થાય છે, આ સમસ્યાઓ નિવારવા આ બિલ લાવવામાં આવ્યુ છે. આ સિવાય હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને યોગ્ય પગલા ભરવા ટકોર કરી હતી.

ઢોર નિયંત્રણ બિલની જોગવાઈઓ
આ બિલની જોગવાઈયોની વાત કરીએ તો, સૌથી મોટી વાત એ છે કે, કાયદો પસાર થયાના 15 દિવસમાં પશુઓ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવું પડશે. આ લાયસન્સ દેખાય એ રીતે રાખવું પડશે. તે ઉપરાંત અધિકારીઓ પશુ રાખવા માટેની જગ્યાનું નિરીક્ષણ પણ કરશે. આ સિવાય પશુનું ફરજિયાત ટેગિંગ કરાવવુ પડશે. ટેગ ન હોવાના કિસ્સામાં ઢોર જપ્ત કરાશે અને 50 હજારનો દંડ કર્યા બાદ જ છોડાશે. આ બિલથી સરકાર જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. એટલે જ એક જોગવાઈ એવી પણ છે કે રસ્તા અને જાહેરસ્થળોએ પશુઓ રખડે નહીં તેની જવાબદારી માલિકની રહેશે. આ સિવાય ટેગિંગ નહીં કરાવનાર પશુપાલકને જેલ અને 10 હજારનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.

ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર લગામ લાગશે
આ સિવાય વધુ જોગવાઈઓની વાત કરીએ તો, ઢોર પાર્ટી ઉપર હુમલો કરનાર અથવા કામગીરીમાં અવરોધ ઊભો કરનારને એક વર્ષની જેલ અને 50 હજારના દંડની જોગવાઈ કરાઈ છે. રખડતા ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમ વખત માલિકને પાંચ હજાર, બીજી વખત દસ હજાર અને ત્રીજી વખત પંદર હજારનો દંડ અને એફઆઈઆર કરવાની જોગવાઈ છે. આ સિવાય મૃત પશુઓના નિકાલ માટે
જાહેર આરોગ્યને અસર ન થાય તેવી રીતે નિકાલ કરવા જણાવાયું છે. આ સિવાય પશું મહામારીના સમયે પશુઓને ખસેડવાની પણ જોગવાઈ છે.

આ કાયદો ક્યાં લાગુ થશે?
આ બિલ ખાસ શહેરી વિસ્તારોને કેન્દ્રમાં રાખીને લાવવામાં આવ્યુ છે. આ માટે તેને અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર એટલે કે તમામ 8 મહાનગરપાલિકા વિસ્તાર અને 156 નગરપાલિકા વિસ્તારોમાં લાગુ રહેશે.

માલધારીઓ કેમ વિરોધ કરી રહ્યાં છે?
માલધારીઓ આ કાયદાને કાળો કાયદો ગણાવી રહ્યા છે અને તેને લઈને ગુજરાતભરમાં વિરોધ અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. માલધારીઓનો તર્ક છે કે આ કાયદો લાવતા પહેલા વ્યવહારૂ સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. માલધારીઓના કહેવા મુજબ માલધારીઓના ગામોને શહેરી વિસ્તારમાં ભેળવી દેતા પહેલા સરકારે આ બાબતે વિચારવાની જરૂર હતી. ગામડાઓ તો ત્યાંના ત્યાંજ છે, શહેરોએ પોતાની હદ વિસ્તારી છે. માલધારી નેતા નાગજી દેસાઈના મતે, 2021માં 38 નવા ગામોને અમદાવાદમાં ભેળવી દેવાયા, આ 38 ગામડાંઓમાં માલધારી સહિતના પશુપાલકો રહે છે ત્યારે નવા કાયદાની તેમની ઉપર પણ અસર થશે. રાતોરાત કોઈ વ્યવસ્થા શક્ય નથી.

રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટમાં પણ પહોંચી ચૂક્યો છે
રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોર માથાનો દુખાવો બની ગયા છે ત્યારે આ મુદ્દો આ પહેલા હાઈકોર્ટમાં પણ પહોંચી ચુક્યો છે. વર્ષની શરૂઆતમા ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે પીઆઈએલ દાખલ કરાઈ હતી. જે મુદ્દે જજોએ પણ સરકારની જાટકણી કાઢી પગલા ભરવા કહ્યું હતું.