
ABP લોકનીતિ CSDS સર્વે:બનશે BJPની સરકાર,પરંતુ લોકપ્રિયતા ઘટી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓ પોતપોતાની રીતે લોકોને લલચાવાના પ્રયાસો કરી રહી છે. રાજકીય વિષય પર સમજ ધરાવતા મોટા ભાગના લોકોનું કહેવું છે કે, આ વખતે પણ ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. ત્યાં બીજી તરફ એક વર્ગ એવો પણ છે જે કહે છે કે, કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં પોતાની જગ્યા બનાવી લેશે. પરંતુ એબીપી ન્યૂઝ, લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલ પર જો એક નજર કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જ જીત થશે તેવું જાણવા મળે છે. પરંતુ તેની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળશે. જેની પાછળના કારણોની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલનું નામ આવે છે. એબીપી ન્યૂઝ ચેનલના ઓપિનિયન પોલની વાત કરવામાં આવે તો તેમના આંકડા પ્રમાણે આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 113 થી 121 સીટો મળશે જ્યારે કોંગ્રેસને આ વખતે પણ 58 થી 64 સીટોની વચ્ચે જ સંતોષ મેળવવો પડશે.
આ બંન્ને પાર્ટીને મળતા મતોમાં 6 ટકાનું અંતર છે. કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ભાજપથી આગળ દેખાઇ રહી છે અને સૌરાષ્ટ્રમાં તે ભાજપ સાથે બરાબરીનો મુકાબલો કરશે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા થયેલા સર્વેની સરખામણીએ આ આંકડાઓમાં અંતર છે, ભાજપની બેઠકોની સંખ્યા આ સર્વેમાં ઓછી થઇ છે. એ સમયના ઓપિનિયન પોલ અનુસાર, ગુજરાતમાં ભાજપને 144થી 152 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 26થી 32 બેઠકો મળવાનું અનુમાન હતું.
ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર
દક્ષિણ ગુજરાત (35 બેઠકો)
- ભાજપ - 51%
- કોંગ્રેસ - 33%
સૌરાષ્ટ્ર-કચ્છ (54 બેઠકો)
- ભાજપ - 42%
- કોંગ્રેસ - 42%
ઉત્તર ગુજરાત (53 બેઠકો)
- ભાજપ - 44%
- કોંગ્રેસ - 49%
મધ્ય ગુજરાત (40 બેઠકો)
- ભાજપ - 54%
- કોંગ્રેસ - 38%
કોને કેટલી બેઠકો?
- કુલ વિધાનસભા બેઠકો 182
- ભાજપ - 113-121
- કોંગ્રેસ - 58-64
- અન્ય - 1-7