ફ્લેશબેક 2020: જાણો ગુજરાત માટે કેવું રહ્યું 2020નું વર્ષ
વર્ષ 2020ને અલવિદા કહેવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકો 2020નું વર્ષ ક્યારે પતે તેની રાહ જોઇ રહ્યાં છે. આ વર્ષે ઘણી મુશ્કેલીઓ અને તારાજીઓ સર્જાઇ હતી. ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે 2020માં હોસ્પિટલમાં આગ લાગવાની 5થી વધારે ઘટનાઓ બની હતી. આ આગની ઘટનાઓની નોંધ સર્વોચ્ચ અદાલતે પણ લીધી હતી અને ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં આગની ઘટનાઓ બની હતી. ત્યારબાદ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ફરીએકવાર ચર્ચાયો હતો.
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોમાં 3જી નવેમ્બરે ચૂંટણી યોજાઇ હતી જેમાં દરેક સીટ પર ભાજપનો વિજય થયો હતો.
ગુજરાતમાં મે મહિનામા મોટાભાગના શહેરોમાં ભારે ગરમી પડી હતી. જ્યારે ચોમાસામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ઘણા વિસ્તારોમાં પુરની સ્થિતિ ઉભી થઇ હતી. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયું હતુ. ઓક્ટોમ્બરમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ હતી. ડીસેમ્બર સુધીમાં નલીયામાં તાપમાનનો પારો ગગડીને 7 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજ્યના અન્ય શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સ્વાદ ચાખ્યો હતો.
વર્ષ 2020માં કચ્છના વિવિધ ભાગોમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો ઉભો થયો હતો. જેમાં આમ્ફાન અને નિસર્ગ વાવાઝોડાનો સમાવેશ થાય છે. વાવાઝોડાના ખતરાને જોતા પહેલેથી જ સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ કોરોનાનું સંક્રમણ દુનિયાભરમાં ફેલાયું હતુ. 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યારબાદ ગુજરાતના મુખ્ય શહેરોમાં કોરોનાનો કહેર જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ફ્લેશબેક 2020: જાણો, પંચમહાલ જિલ્લા માટે કેવું રહ્યું 2020નું વર્ષ?