
અમદાવાદમાં હેરિટેજ થીમ પર યોજાશે 11 દિવસનો ફ્લાવર શો
મ્યુનિ. કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ વખતે હેરિટેજ થીમ પર અમદાવાદીઓ ફ્લાવર શો નિહાળી શકશે. જે રીતે દર વખતે અમદાવાદીઓ ફલાવર શોમાં ઉમટી પડે છે તે જોતા આ વખતે નવતર થીમ ઉતારવામાં આવી છે.
ફ્લાવર શોમાં આ વખતે ઓર્કીડ, ડચ રોઝ અને સેવંતી તથા જરબેરામાંથી બટરફ્લાય, કલસ્ટર હરણ, મીકી માઉસ જેવી પ્રતિકૃતિ બનાવવામાં આવશે.સાથે જ કાશ્મીર અને નેધરલેન્ડમાં જોવા મળતાં તુલીપના ફ્લાવર બેડ જેવા એન્ટિરીનિયમ વેરાયટીના 60 હજાર છોડવા જોવા મળશે. તો 200થી વધુ ફ્લાવર પોટ પણ જોવા મળશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગના બગીચા વિભાગના ડિરેક્ટર જીજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદમાં ફ્લાવર શો ૩૦મી ડિસેમ્બરથી ૯મી જાન્યુઆરી સુધી રહેશે. એમ કુલ ૧૧ દિવસ સુધી ફલાવર શોનું આયોજન કરવામાં આવશે. ફલાવર શોને મળતાં જબ્બર પ્રતિસાદને જોઇ દેશનાં અન્ય રાજયોનાં વેપારીઓ પણ ફલાવર શોમાં તેમનાં ઉત્પાદનો વેચવા માટે આવે છે.
સાથે જ રિવરફ્રન્ટનાં ઇવેન્ટ ગાર્ડન અને ફલાવર પાર્કમાં યોજાનારા ફલાવર શોમાં વિદેશમાં ફુલોનો ગાર્ડન કે બેડ જોવા મળે છે તેવો ફલાવર બેડ નિર્માણ કરવામાં આવશે. તેમજ અમદાવાદને મળેલાં વર્લ્ડ હેરિટેજ સિટીનાં બિરૂદની ઉજવણી કરવા માટે અમદાવાદનાં ઐતિહાસિક સ્થળોનાં સ્ક્લ્પચર બનાવવામાં આવશે. ગત વર્ષે ૯ દિવસ દરમિયાન આશરે 18થી ૨૦ લાખ લોકોએ ફલાવર શો નિહાળ્યો હતો.