સરકારની દિવાળી ભેટ, શિક્ષણ સહાયકોના પગારમાં નોંધપાત્ર વધારો
એક બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય એની રાહ જોવાઇ રહી છે, ત્યાં સરકાર દ્વારા આચારસંહિતા જાહેર થાય એ પહેલાં તમામ વર્ગના મતદારોને ખુશ કરવા માટેના પ્રયત્નો હાથ ધરાયા હોય એમ લાગી રહ્યું છે. બુધવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શૈક્ષણિક કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજય સરકાર દ્વારા શિક્ષણ સહાયકો, વહીવટ સહાયકો અને આઇટીઆઇના કર્મચારીઓના પગાર અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, નવી જીઆઇડીસી શરૂ કરવાની જાહેરાત બાદ સરકાર તરફથી આ ત્રીજી ખુશખબરી આપવામાં આવી છે.
નીતિન પટેલે કરેલ જાહેરાત અનુસાર, શિક્ષણ સહાયકોનો પગાર રૂ. 16,500થી વધારીને રૂ. 25,000 કરવામાં આવ્યો છે. સાથી સહાયકોનો પગાર રૂ. 10,500થી વધારીને રૂ. 16,224 કરાયો છે. વહીવટ સહાયકોનો પગાર રૂ. 11,500થી વધારીને રૂ. 19,950 કરાયો. સાથે જ 105 નગરપાલિકાઓને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવશે, એવી પણ જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં, મા વાત્સલ્ય યોજનાની પણ મર્યાદા વધારતા 1.50 લાખથી 2.50 લાખ કરવામાં આવી છે.