ગોધરાકાંડ: હાઇકોર્ટે 11 દોષીઓની ફાંસીને ઉંમરકેદમાં બદલી
2002માં ગોધરામાં થયેલા ગોધરાકાંડમાં આજે હાઇકોર્ટમાં ચુકાદો આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે 11 દોષીઓની ફાંસીની સજાને બદલીને ઉંમરકેદ કરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગોધરાકાંડ પર આવેલો આ નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસની એક બોગીમાં ભીડ દ્વારા આગ લગાવી 59 લોકોને જીવતા બાળવામાં આવ્યા હતા. જે પછી ગુજરાતમાં કોમી હિંસા ભડકી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 2011માં એસઆઇટીની વિશેષ કોર્ટે 31 લોકોને દોષી જાહેર કર્યા હતા અને 63 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણયને પાછળથી હાઇકોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો.
આ સાથે જ હાઇકોર્ટે રાજ્ય સરકાર આ ઘટનામાં મૃત કારસેવકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરે તેમ પણ જણાવ્યું હતું. સાથે જ કોર્ટે તે વખતની મોદી સરકારની કાનૂન વ્યવસ્થાની ઝાટકણી નીકળી હતી. કોર્ટ જણાવ્યું કે તે વખતની મોદી સરકાર રાજ્યમાં કાનૂન વ્યવસ્થા અને શાંતિ જાળવવામાં અસફળ રહી છે. ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ પછી રાજ્યભરમાં કોમી તોફાનો થયા હતા. જેમાં મોટી સંખ્યામાં જાન -માલને નુક્શાન થવાની સાથે જ એક હજારથી વધુ લોકોની મોત પણ થઇ હતી.