રાજ્યમાં 10 હજારથી વધુ ડૉક્ટરો આજે હડતાળ પર, ઓપીડી અને ઈમરજન્સી સેવા પણ બંધ
અમદાવાદઃ રાજ્યના દસ હજારથી વધુ ડૉક્ટરો પોતાની માંગણીઓને લઈને આજે હડતાળ પર ઉતર્યા છે. તેઓ શાંતિપૂર્વક વિરોધ નોંધવશે. જેમાં ગુજરાત મેડિકલ ટીચર્ચ એસોસિએશન, જીએમઈઆરએસ ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, જીએમએસ ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ઈએસઆઈએસ ડૉક્ટર્સ એસોસિએશનના ડૉક્ટર અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ઓપીડી અને ઈમરજન્સી સહિતના તમામ કાર્યોથી ડૉક્ટરો અળગા રહેવાના છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતની સરકારી હોસ્પિટલોના 10 હજાર જેટલા ડૉક્ટરો ચોથી એપ્રિલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના 450 જેટલા ડૉક્ટરો હડતાળમાં જોડાવાના છે. દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો પડી શકે તેમ છે.
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ રજનીશ પટેલે જણાવ્યુ કે 10 હજાર સરકારી ડૉક્ટરો ચોથી એપ્રિલના સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. છેલ્લા સરકાર સાથે બેઠક યોજાઈ ત્યારે ડૉક્ટરોના પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી બાંહેધરી અપાઈ હતી પરંતુ 31મી માર્ચ, 2022 સુધીમાં ઠરાવ કરવાનુ જે વચન આપ્યુ હતુ તે કર્યુ નથી. આમ લાભો નહિ આપીને સરકારે કરોના વૉરિયર્સ સાથે દ્રોહ કર્યો છે તેવી તબીબી આલમની લાગણી છે.
ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીએ હડતાળના એલાન બાબતે મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે વિવિધ ડૉક્ટરો, ડેન્ટલ કેડરના તમામ પ્રશ્નો અને માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે, આ જાહેરાતના અમલ માટે ઠરાવ કે પરિપત્ર કરાયા નથી તેવો ડૉક્ટરોએ દાવો કર્યો છે. અમલીકરણ અને વહીવટી બાબતોના પ્રશ્નોને ગૂંચવી નાખ્યા છે. સરકારની જાહેરાત પર ડૉક્ટરોને વિશ્વાસ નથી એટલે અચોક્કસ મુદતની હડતાળનુ ફરી એલાન કરવામાં આવ્યુ છે.