હવે એસટી બસમાં જ ખાવાનું મળી જશે, સરકારે શરૂ કરી નવી સેવા
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એક્સપ્રેસ બસોમાં મુસાફરો માટે ઓન ડિમાન્ડ પેક્ડ ફૂડ - ફૂડ ઓન બસ નામની નવી સેવા શરૂ કરશે. નિગમે આ સુવિધા પૂરી પાડવા એજન્સીઓની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. મુખ્ય હેતુ પ્રવાસીઓને મુસાફરી દરમિયાન ઉચ્ચ ગુણવત્તાનું ભોજન આપી સુવિધા વધારવાનો છે.

આ પહેલ રેલવેની જેમ ચાલુ બસે ફૂડ ઉપલબ્ધ કરાવી નિગમની પ્રતિષ્ઠા વધારશે અને બસની આવકમાં પણ વૃદ્ધિ કરશે. આ પ્રોજેક્ટ હાલ પ્રાયોગિક ધોરણે અમલમાં છે. એજન્સીઓની નિમણૂક માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે.
પ્રારંભિક તબક્કામાં ફક્ત અમદાવાદ શહેર માટે જ વિવિધ એજન્સીઓ પાસેથી ઓનલાઈન ભાવ મંગાવાયા છે. આ સેવા પાલડી, સી.ટી.એમ., કૃષ્ણનગર, નરોડા પાટિયા, નેહરુનગર, રાણીપ, નારોલ ક્રોસ રોડ, સરખેજ, ઓઢવ ક્રોસ રોડ, અડાલજ અને જશોદાનગર જેવા અમદાવાદના મુખ્ય પિકઅપ સ્ટેન્ડ પર મળશે.
મુસાફરો OPRS (ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) પર બસ ટિકિટ સાથે જ ફૂડ ઓર્ડર અગાઉથી બુક કરી શકશે. મુસાફરી શરૂ થયા બાદ નિર્ધારિત સ્થળે પહોંચવાના ત્રણ કલાક પહેલા ફૂડ ઓર્ડર આપવો ફરજિયાત છે. એડવાન્સમાં કે મુસાફરી દરમિયાન પણ ઓનલાઈન બુકિંગ થઈ શકશે.
એજન્સીઓ બસમાં તમાકુ, બીડી, ગુટકા, નોન-વેજ કે પ્રતિબંધિત ખાદ્યપદાર્થો પીરસી શકશે નહીં. અનિયમિતતા કે સમયસર સપ્લાય ન કરવાના કિસ્સામાં એજન્સીને 5,000 થી 10,000 સુધીનો દંડ ફટકારાશે.












Click it and Unblock the Notifications
